રાજકોટની ઝનાના હોસ્પિટલનું કરોડો રૂપિયાનાં ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ફેબ્રુઆરીમાં વડાપ્રધાન મોદીનાં હસ્તે આ હોસ્પિટલનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું હતું. જોકે, હોસ્પિટલમાં એનેસ્થેસીયા ટ્રોલીની સુવિધા ન હોવાને કારણે બાળકોના ઓપરેશન કરી શકાતા નહોતા પરંતુ, નવનિયુક્ત અધિક્ષક મોનાલી માંકડીયાનાં ધ્યાનમાં આ બાબત આવતા જ તાત્કાલિક મોરબી ખાતેથી રૂ. 25 લાખની કિંમતની એનેસ્થેસીયા ટ્રોલી ફાળવવામાં આવી છે. જેને લઈને લોકાર્પણના 5 મહિના બાદ મંગળવારથી આ હોસ્પિટલમાં બાળકોના ઓપરેશન કરી શકાશે.
પ્રાપ્ત વિગત મુજબ ઝનાના હોસ્પિટલમાં બાળકોના સર્જરી વિભાગમાં છેલ્લા 5 મહિનાથી એનેસ્થેસીયા ટ્રોલી ન હોવાના કારણે નવજાત બાળકોના ઓપરેશન કરવામાં આવતા ન હતા અને બાળકોને ઓપરેશન માટે સુપર સ્પેશિયાલિટી બિલ્ડીંગ એટલે કે PMSSY બિલ્ડિંગમાં ખસેડવામાં આવતા હતા. બાળદર્દીનું ઓપરેશન અહીં કર્યા બાદ ફરીથી તેઓને ઝનાના હોસ્પિટલમાં લઈ જવા પડતા હતા. આ કારણે બાળકો તેમજ તેના પરિવારજનોએ હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ અંગે પૂર્વ સિવિલ અધિક્ષકને અનેક રજૂઆતો પણ કરવામાં આવી હતી.