શહેરના સૌથી વધુ ટ્રાફિક ધરાવતા માધાપર ઓવરબ્રિજનું 9 માસ પૂર્વે લોકાર્પણ કરાયા બાદ વોરા સોસાયટીના જમીન સંપાદનના ઇસ્યૂથી એકતરફનો સર્વિસ રોડ શરૂ થયો ન હતો. આ પ્રશ્ન ઉકેલાયો છે અને વોરા સોસાયટીના રહીશોએ જમીન સંપાદનનું વળતર લેેતા સર્વિસ રોડનો માર્ગ મોકળો થયાનું સૂત્રોએ જણાવ્યું છે.
માધાપર ઓવરબ્રિજ પાસેની વોરા સોસાયટીની અમુક જમીન સંપાદન મુદ્દે વાટાઘાટો ચાલતી હતી અને હવે વોરા સોસાયટીના રહીશો સહમત થતા અને વળતરનો ચેક સ્વીકારી લેતા શુક્રવારે સર્વિસ રોડ માટેની જમીનનો કબજો લેવાશે. હવે આ જમીનનો કબજો પીડબલ્યુડીને સોંપાશે અને તેમને એક માસમાં સર્વિસ રોડનું કામ પૂર્ણ કરવા સૂચના અપાઇ છે. વોરા સોસાયટીના કોમન પ્લોટ સહિતની જમીનનું સંપાદન કરવાનું હોય તંત્રે કાર્યવાહી હાથ ધરી સોસાયટીના રહીશોને નોટિસ આપી હતી જેની સામે વોરા સોસાયટીના રહીશોએ વાંધા રજૂ કરતા પ્રાંત અધિકારી સમક્ષ સુનાવણી કરાઇ હતી અને તેમાં પણ લાંબા સમય સુધીની સમજાવટ બાદ અંતે સોસાયટીના રહીશોએ રૂ.1.87 કરોડના વળતરનો ચેક સ્વીકારી લેતા 9 માસ બાદ પ્રશ્ન હલ થયો છે.