સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે સુરત, રાજકોટ અને જામનગર સહિત ગુજરાતના અનેક શહેરોમાં 84 લાખની આર્થિક છેતરપિંડી આચરીને છેલ્લા 7 વર્ષથી પોલીસને થાપ આપી રહેલા એક રીઢા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. નવાઈની વાત એ છે કે, આ આરોપી પોલીસથી બચવા માટે સંસારી જીવન છોડીને સાધુ બની ગયો હતો અને ઋષિકેશના આશ્રમમાં ‘કિશનગીરી મહારાજ’ બનીને રહેતો હતો.
ઉધનામાં ઓફિસ ખોલીને છેતરપિંડી કરી હતી વર્ષ 2015 દરમિયાન કાંતિલાલ રણછોડ તાડા નામના શખ્સે તેના ભાગીદાર ભરત જરીવાલા સાથે મળીને સુરત અને સૌરાષ્ટ્રના લોકોને ટાર્ગેટ બનાવ્યા હતાં. આરોપીએ સુરતના કતારગામ વિસ્તારમાં લલીતા ચોકડી પાસે આવેલા જમનાબા કોમ્પલેક્ષમાં અને ઉધનામાં ઓફિસો ખોલી હતી. તેણે ‘કે.પટેલ એન્ડ એસોસીયેટ’ તથા ‘કે.પટેલ માઇક્રો ફાઇનાન્સ’ નામની કંપનીઓ શરૂ કરી હતી.
આ કંપનીઓના નામે આરોપીઓએ ભોળા નાગરિકોને લોભામણી સ્કીમો અને ઈનામી ડ્રોની લાલચ આપી હતી. લોકો પાસેથી પૈસા ઉઘરાવીને રાતોરાત ગાયબ થઈ જવાના ઈરાદે તેણે સુરત ઉપરાંત રાજકોટ, જામનગર, કીમ, નવસારી, વીરપુર, લુણાવાડા, ડભોઈ, દેરોલ, હાલોલ, ઘોઘંબા, સાવલી, આણંદ, સલાયા, અંજાર-કચ્છ અને જૂનાગઢ જેવા અનેક શહેરોમાં પોતાની બ્રાન્ચો શરૂ કરી દીધી હતી.
55,000 રૂપિયા પરત આપવાની લાલચે લોકો ફસાયા આરોપી કાંતિલાલ તાડાએ લોકોને છેતરવા માટે એક વ્યવસ્થિત માળખું તૈયાર કર્યું હતું. તેની સ્કીમની વિગતો ચોંકાવનારી છે, આ યોજના 40 મહિના માટેની હતી. જેમાં સભ્યોએ દર મહિને 1,100 રૂપિયા ભરવાના રહેતા હતા. દર મહિને ડ્રો કરવામાં આવતો હતો. જે સભ્યનું નામ ડ્રોમાં નીકળે તેને ‘સ્પ્લેન્ડર પ્લસ’ મોટર સાયકલ અથવા 54,000 રૂપિયા રોકડા આપવામાં આવતા હતા. જો કોઈ સભ્યનું ઈનામ ન લાગે તો મુદત પૂરી થયે ભરેલા પૈસા વ્યાજ સહિત એટલે કે 55,000 રૂપિયા પરત આપવાની લાલચ આપવામાં આવતી હતી. આ સ્કીમમાં તેણે 500 જેટલા મેમ્બરો બનાવ્યા હતા.