ગુજરાત રાજ્યમાં ઇલેક્શન ફીવર વચ્ચે રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બનવા માટેની આજે 19મી એપ્રિલના પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં રાજકોટ, વડોદરા, સુરત અને અમદાવાદ એમ 4 કેન્દ્રો પરથી આ પરીક્ષા લેવામાં આવી રહી છે. જેમાં રાજકોટમાં સૌરાષ્ટ્રના 21,500 ઉમેદવારો પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા. જે દરમિયાન તેમનું બાયોમેટ્રિક અને ફ્રસ્કિંગ થકી કડક ચેકિંગ કર્યા બાદ જ એન્ટ્રી આપવામાં આવી હતી. પરીક્ષાર્થીઓએ કહ્યું હતું કે, નાનપણથી પોલીસ બનવાનું સ્વપ્ન હવે સાકાર થશે.
રાજકોટ શહેરના 74 પરીક્ષા કેન્દ્ર પર 719 વર્ગખંડમાં પીએસઆઇ બનવા માટેની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારના શેસનમાં 9:30થી 12:30 સુધી પ્રિલિમ્સનું પેપર છે અને બપોરના સેશનમાં 3થી 6 વાગ્યા સુધી મેઇન્સ એક્ઝામ લેવામાં આવનાર છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓના ઉમેદવારોની પરીક્ષા રાજકોટમાં આયોજિત કરવામાં આવી છે જેથી આજે સવારથી પરીક્ષા કેન્દ્રો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પરીક્ષા લેવામાં આવી હતી. જ્યાં યુવક અને યુવતીઓ PSI બનવા માટેની પરીક્ષા આપવા ઉત્સાહ સાથે પહોંચ્યા હતા.