અખાત્રીજનાં મુહૂર્તને સાચવવા લોકો હોંશભેર ખરીદી કરતા જોવા મળ્યા

આજરોજ અખાત્રીજના પવિત્ર તહેવાર નિમિત્તે સોના અને ચાંદીની ખરીદીનું વિશેષ મહત્વ હોય છે. આ વર્ષે સોનાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ અંદાજીત બમણો વધારો જોવા મળી રહ્યો છે. તેમ છતાં ગ્રાહકોમાં ખરીદીનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. વધતા ભાવ વચ્ચે પણ લોકો તેના પરિવાર માટે સોનાના દાગીનાની ખરીદી કરતા જોવા મળ્યા હતા. જોકે, વેપારીઓનાં મતે ભાવમાં વધારો થવાની અસર ઘરાકી ઉપર વિપરીત પડી છે અને ગતવર્ષની તુલનાએ ઘરાકી ઓછી જોવા મળી રહી છે. આ તકે આગામી સમયમાં સોનાના ભાવોમાં હજુ વધારો થવાની શક્યતા વેપારીઓ અને ગ્રાહકોએ પણ વ્યક્ત કરી હતી.

ડોલીબેન જગડ નામના ગ્રાહકે જણાવ્યું કે, સોના-ચાંદીની ખરીદી માટે અખાત્રીજના દિવસનું ખૂબ જ મહત્વ છે. ગત વર્ષ કરતા સોનાના ભાવ ઘણા વધારે છે છતાં પણ અમે મુહૂર્ત સાચવવા માટે ખરીદી કરવા આવ્યા છીએ. અહીં દાગીનામાં ઘણી સારી વેરાયટીઓ જોવા મળી રહી છે. મેં મારા માટે મંગળસૂત્ર અને મારા સાસુ માટે માળાની ખરીદી કરી છે. સોનાના ભાવ વધવાને કારણે આર્થિક રીતે દરેક વર્ગને અસર પડી રહી છે, પરંતુ હાલ તહેવારના મહત્વને કારણે લોકો થોડી ઘણી પણ ખરીદી કરી રહ્યા છે. હાલ સોનાના ભાવ ઘટવાની કોઈ શક્યતા દેખાતી નથી, ઉલટાનું આગામી દિવસોમાં ભાવ હજુ પણ વધે તેવું લાગી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *