ભારતમાં દરરોજ ફળ-શાકભાજી ખરીદવાથી લઈને કેબના ભાડા સુધી માટે કરોડો લોકો UPI નો ઉપયોગ કરે છે. તાજેતરમાં સંસદમાં રજૂ થયેલા નવા બિલ પછી એક ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું ભવિષ્યમાં UPI પેમેન્ટ કરવા પર ગ્રાહકોને ચાર્જ ચૂકવવો પડશે.
આ અંગે નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્થિતિ સ્પષ્ટ કરી છે. નાણા મંત્રીએ કહ્યું છે કે સામાન્ય ગ્રાહકોને ડરવાની કોઈ જરૂર નથી, UPI તેમના માટે મફત જ રહેશે.
ના, બિલકુલ નહીં. સરકાર અને RBI બંનેએ સ્પષ્ટ કર્યું છે કે સામાન્ય ગ્રાહકો પાસેથી યુપીઆઈ પેમેન્ટ પર કોઈ શુલ્ક લેવામાં આવશે નહીં. તમે પહેલાંની જેમ જ કોઈપણ QR કોડને સ્કેન કરીને મફતમાં પૈસા ટ્રાન્સફર અને ખરીદી કરી શકશો.
સરકારે સંસદમાં ટેક્સેશન એન્ડ અધર લોઝ (એમેન્ડમેન્ટ) બિલ-2026 રજૂ કર્યું છે. તેમાં પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ- 2007ની કલમ 10Aમાં સુધારાનો પ્રસ્તાવ છે.
તે અંતર્ગત ભવિષ્યમાં કેટલાક ખાસ UPI લેણદેણ પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લગાવવા માટે કાનૂની માળખું તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ પછી જ વિપક્ષે સવાલો ઉઠાવ્યા કે તેનાથી સામાન્ય જનતા પર બોજ પડશે.