181 કિલો ચાંદીનો ભેદ ઉકેલાયો; યુપીથી 5 વેપારીએ મોકલી, રાજકોટના 9 રડારમાં

રાજકોટ એરપોર્ટ પર ગુજરાત ATS અને ક્રાઇમ બ્રાન્ચે પાડેલા દરોડામાં મુંબઈની ફ્લાઇટમાંથી ઝડપાયેલા રૂ.4.50 કરોડની કિંમતના 181 કિલો ચાંદીના શંકાસ્પદ જથ્થાના મામલે સ્ટેટ જીએસટી (SGST)ના અન્વેષણ વિભાગે હવે આક્રમક તપાસ શરૂ કરી દીધી છે.

સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, પ્રાથમિક તપાસમાં આ ચાંદીના જથ્થા પાછળના અસલી ખેલાડીઓના ચોંકાવનારા નામ સામે આવ્યા છે. આ આખો જથ્થો ઉત્તર પ્રદેશના વારાણસીના 5 વેપારી દ્વારા મોકલવામાં આવ્યો હતો, જેને રાજકોટના 9 જેટલા મોટા ગજાના વેપારીએ મગાવ્યો હોવાનું ખુલ્યું છે.

એસજીએસટી વિભાગના સૂત્રોએ જણાવ્યા અનુસાર ચાંદીના જથ્થા સાથે મળેલા બિલો ખરેખર અસલી (જેન્યુન) છે કે ટેક્સચોરી માટે ઊભા કરાયેલા બોગસ કાગળિયા છે, તેની આખી કુંડળી ખંખોળવામાં આવી રહી છે.

આ કેસ માત્ર ટેક્સચોરી પૂરતો સીમિત નથી, તેથી એસજીએસટી વિભાગે તપાસનો વ્યાપ વધાર્યો છે.જે 9 પાર્સલ જપ્ત કરાયા છે તેના પર રાજકોટના જે વેપારીઓના નામ લખેલા છે, ખરેખર આ માલ તેમણે જ મગાવ્યો છે કે તેમના નામે કોઈ અન્ય ખેલ ખેલાયો છે? તેની સચ્ચાઈ જાણવા તમામ 9 વેપારીને રૂબરૂ બોલાવી આકરી પૂછપરછ કરાશે.

હાલના તબક્કે ચાંદી લેનાર અને મોકલનાર વ્યક્તિઓના નામ બહાર આવી ગયા છે ત્યારે તેઓની પાસે જીએસટી સાથેના બિલ છે કે કેમ? તે અંગેની ચકાસણી કરવામાં આવે છે અને આવું છેલ્લા કેટલા સમયથી ચલાવાતું હતું તે મુદ્દે પણ તપાસ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *