રાજકોટમાં જૂના BRTS પર કરોડોના ખર્ચે બનેલો સાઈકલ ટ્રેક તોડાશે, નવામાં બનાવાશે

મનપાએ વર્ષો પહેલાં 150 ફૂટ રિંગ રોડ બનાવી રોડની બન્ને સાઇડ સર્વિસ રોડ અને સાઇકલ ટ્રેક બનાવેલા પરંતુ સાઇકલ ટ્રેક ઉપર દબાણો થઈ જતા અને વાહનો માટેનો રોડ સાંકડો હોવાનું ધ્યાને આવતા હવે સાઇકલ ટ્રેક દૂર કરી વાહનો માટેનો રોડ પહોળો કરવા સરવે હાથ ધરાયો છે. ત્યારે જ નવનિર્મિત સેકન્ડ રિંગ રોડ ઉપર સાઈકલ ટ્રેક માટે જગ્યા છોડી દેવાતા લોકોને આશ્ચર્ય થયું છે અને આ રોડ ઉપર કોણ સાઇકલ ફેરવશે તેવી ચર્ચા જાગી છે.

મહાનગરોને પ્રદૂષણ મુક્ત અને ગ્રીનસિટી બનાવવા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત સરકારે નિયમો અમલમાં મૂક્યા છે. પરંતુ તમામ નિયમોની અમલવારી કરવામાં તંત્ર સક્ષમ નથી જેના કારણે અમુક નિયમોમાં બાંધછોડ કરવા મજબૂર બનવું પડી રહ્યું છે.

જેમાં હવે રિંગ રોડ ઉપર સાઈકલ ટ્રેક બનવાનો પ્રશ્ન ઊભો થયો છે. જૂના રિંગ રોડ ઉપરથી સાઇકલ ટ્રેક દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તો બીજી તરફ સેકન્ડ રિંગ રોડ ઉપર સાઈકલ ટ્રેક બનાવવાનું કામ ચાલુ કરાતા આ રોડ ઉપર કોણ સાઇકલ ફેરવશે અને શા માટે જરૂર ન હોવા છતાં ટ્રેક પાછળ કરોડોનું આંધણ કરવામાં આવી રહ્યું તેવા સવાલો ઊભા થયા છે.

મહાપાલિકાઓના મોટા પ્રોજેક્ટ સરકારી ગ્રાન્ટ આધારિત હોવાથી નિયમોનું પાલન ફરજિયાત કરવું પડે, પરંતુ શહેરો અને શહેરીજનોની જીવનશૈલી તેમજ તેમની જરૂરિયાત અલગ અલગ હોય છે.

સરકાર પ્રદૂષણ મુદ્દે વધુ ગંભીર બની છે છતાં અમુક નિયમની અમલવારી માટે તંત્રને થાળી ભાંગીને વાટકો કરવો પડે તેવી પરિસ્થિતિ ઊભી થઇ છે. આથી સરકારે શહેરોની જરૂરિયાત મુજબ નોર્મ્સની અમલવારી કરાવવી જોઈએ તેવું તંત્ર ઈચ્છી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *