રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલ જાગનાથ પ્લોટમાં રહેતા અને વાંકાનેર ખાતે કાપડનો વેપાર કરતા રિષભ સંઘવીને 15 લાખની લોન લેવાના ચક્કરમાં 13 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. ફરિયાદીએ ફેસબુક પર લોનની જાહેરાત જોઈ તેમાં ક્લિક કરતા સાયબર ગઠિયાઓએ રિલાયન્સ અને ધાની ફાયનાન્સના નામે પ્રોસેસિંગ ફી, GST, TDS અને અલગ-અલગ ચાર્જીસ પેટે ઓનલાઈન રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી. જોકે, બાદમાં તેની સાથે છેતરપિંડી થયાની જાણ થતા તાત્કાલિક ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સરળ હપ્તેથી લોન આપવાની જાહેરાત આવી હતી યાજ્ઞિક રોડ પર જાગનાથ પ્લોટમાં રહેતા અને વાંકાનેર મેઇન બજારમાં કાપડનો વેપાર કરતા રિષભભાઈ સંઘવીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.21.08.2026ના રોજ તેઓ પોતાના ફેસબુક એકાઉન્ટમાં રીલ્સ જોઈ રહ્યા હતા. તે સમયે તેમની સામે ‘રિલાયન્સ ફાઇનાન્સ’ અને ‘ધાની ફાયનાન્સ’ નામથી સરળ હપ્તેથી લોન આપવાની જાહેરાત આવી હતી. વેપારીને બિઝનેસ માટે પૈસાની જરૂરિયાત હોય તેમણે ‘એપ્લાય લોન’ બટન પર ક્લિક કર્યું હતું. તેના બીજા જ દિવસે એટલે કે તા.22 ઓગસ્ટના રોજ અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો અને સામેની વ્યક્તિએ પોતાની ઓળખ રિલાયન્સ ફાઇનાન્સના પ્રતિનિધિ ‘સંતોષ નાયર’ તરીકે આપી હતી.
65,000 રિયા દાસના UPI QR કોડમાં ભરાવ્યા ફરિયાદીએ 15 લાખની લોનની જરૂરિયાત હોવાનું કહેતા ઠગે પ્રોસેસિંગ ફી પેટે 8,500 QR કોડ મારફતે ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ એગ્રીમેન્ટ અને સ્ટેમ્પ ડ્યુટીના 12,500, ઇન્સ્યોરન્સ ચાર્જના 18,900, GSTના 28,500 અને રિઝર્વ બેંકના કોમર્શિયલ ટેક્સ ચાર્જ પેટે 42,500 ચૂકવવાનું કહી રૂપિયા પડાવ્યા હતા. આટલેથી ન અટકતા બીજા દિવસે તા.23 ઓગસ્ટના રોજ TDS ચાર્જના 52,500 તથા NOC ચાર્જના 65,000 પણ રિયા દાસ નામના UPI QR કોડમાં ભરાવ્યા હતા.
પ્રોસેસિંગ, લીગલ અને TDS ચાર્જ પેટે 21,240 ઓનલાઈન મેળવી લીધા આ પછી તા.24 ઓગસ્ટના રોજ અન્ય મોબાઈલ નંબર પરથી ‘અભિષેક મંડલ’ નામના શખ્સે ફોન કરી પોતાની ઓળખ ધાની ફાયનાન્સના કર્મચારી તરીકે આપી હતી. તેણે પણ 15 લાખની લોન મંજૂર થઈ હોવાનું કહી પ્રોસેસિંગ, લીગલ અને TDS ચાર્જ પેટે 21,240 ઓનલાઈન મેળવી લીધા હતા. ત્યારબાદ 25 ઓગસ્ટના રોજ એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં ફંડ ટ્રાન્સફર ચાર્જના 56,500 ફરિયાદીના મિત્ર સાવન પટેલના SBI એકાઉન્ટમાંથી તેમજ 55,250 ફરિયાદીની પત્ની પૂજાબેનના એક્સિસ બેંકના એકાઉન્ટમાંથી મેળવ્યા હતા.