રાજકોટમાં બાઈક સ્લીપ થતા આશાસ્પદ યુવાનનું મોત, ગુજસીટોકમાંથી છૂટેલી ઓડિયા ગેંગના ખેલ

રાજકોટમાં માવતરે રહેતી પરણીતાએ પતિ સહિતના સાસરિયાંઓ સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. દીકરીનો જન્મ થતાં સાસરીયાઓને ગમ્યું ન હતું અને તેથી પતિએ ઢીકાપાટુનો માર માર્યો હતો. આ સાથે જ કહ્યું હતું કે હું બીજી લઈ આવીશ તારે જતું રહેવું હોય તો જતી રહેજે. જ્યારે અન્ય બનાવમાં રૈયા ડમ્પિંગ સાઈડ પાસે બાઈક સ્લીપ થતા આશાસ્પદ યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું તો ગુજસીટોકમાંથી છૂટેલી ઓડિયા ગેંગના શખ્સોએ રેસ્ટોરન્ટ સંચાલકને ફાયરિંગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું સામે આવ્યું છે.

શહેરના રેલનગરના ક્રિષ્નાપાર્કમાં માવતરના ઘરે રિસામણે રહેતી 34 વર્ષીય પાયલબેને નવસારીમાં રહેતા પતિ રવિ ભઠેજા, સસરા લાલચંદભાઈ અને સાસુ મીનાબેન સામે મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.સાસુ-સસરા દ્વારા કાનભંભેરણી કરી નાની-નાની બાબતોમાં ઝઘડા કરાવવામાં આવતા હતા. પોતાની દીકરીના જન્મ પર મેણા-ટોણા મારવામાં આવતા હતા અને પતિ દ્વારા ઢીકાપાટુનો માર મારીને છૂટાછેડા આપવાની ધમકી આપવામાં આવતી હતી.

રૈયા ડમ્પિંગ સાઈડ પાસે બાઈક સ્લીપ થતા બજાજ ફાયનાન્સના કર્મચારીનું મૃત્યુ
શહેરમાં વહેલી સવારે શિતલ પાર્ક વિસ્તારમાં રહેતા અને બજાજ ફાયનાન્સમાં નોકરી કરતા 28 વર્ષીય જતિન પ્રફુલભાઈ જાનીનું અકસ્માતમાં સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જતિનભાઈ પોતાનું બાઈક લઈને જામનગર રોડ તરફથી ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે રૈયા ડમ્પિંગ સાઈડ પાસે અચાનક બાઈક સ્લીપ થઈ જવાથી રસ્તા પર પડેલા પથ્થર માથામાં વાગતા ગંભીર ઈજાઓ થઈ હતી. જેને લીધે તેનું મૃત્યુ થયું હતું. તેઓ માતા-પિતાના એકના એક પુત્ર હોવાથી પરિવારમાં ભારે શોક અને આક્રંદ છવાઈ ગયો છે.

સીડી પરથી પડી જવાથી 7 વર્ષીય બાળકીનું સારવાર દરમિયાન મોત
વિરાણી અઘાટના કારખાનાની ઓરડીમાં રહેતા પરપ્રાંતિય શ્રમિક રામબાબુ મહતોની 7 વર્ષીય પુત્રી પિન્કીનું સીડી પરથી પડી જવાથી કરૂણ મોત નીપજ્યું હતું. બાળકી ઘર પાસે રમતી વખતે અચાનક સીડી પરથી નીચે પટકાતા તેને માથા અને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી. તેને તાત્કાલિક ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. ભક્તિનગર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *