રાજકોટમાં મેયરના આદેશ બાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી માટે જે ચેકિંગ ઝુંબેશ જોરશોરથી શરૂ કરવામાં આવી હતી તે ગણતરીના મહિનાઓમાં હવે તદ્દન ઢીલી પડી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં સર્વેલન્સ ચેકિંગ દરમિયાન આરોગ્ય શાખાની ટીમે કુલ 44 જેટલી પેઢીઓ અને રેસ્ટોરન્ટ્સમાં તપાસ કરી હતી, પરંતુ આટલી મોટી સંખ્યામાં દરોડા પાડવા છતાં ફૂડ વિભાગને સ્થળ પરથી માત્ર 8 કિલો જેટલો જ અખાદ્ય અને વાસી ખોરાકનો જથ્થો મળ્યો હતો, જેનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, અખાદ્ય હોવાની શંકાના આધારે FSSAI એક્ટ હેઠળ વિવિધ મીઠાઈ અને માવાના કુલ 7 નમૂના લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
ફૂડ વિભાગનાં જણાવ્યા મુજબ લક્ષ્મી જાંબુ પેઢીમાંથી મીઠો માવો (લુઝ) અને બરફી મીઠાઈ (લૂઝ)ના નમૂના લેવાયા હતા. જય જલારામ દુગ્ધાલય & જાંબુમાંથી PDP-સ્વીટ દેશી માવો, વાત્સલ્ય મીઠો માવો અને પેંડા (લૂઝ)ના સેમ્પલ લેવાયા છે, જ્યારે શ્રી રામ જાંબુમાંથી ગીર માધવ મીઠો માવો (લુઝ) અને બરફી (લુઝ)ના નમૂના એકત્ર કરવામાં આવ્યા છે. આજની આ કામગીરી દરમિયાન આરોગ્યના નિયમોનું અનાદર કરતી કુલ 3 પેઢીને સ્ટોરેજ, લાયસન્સ અને હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપીને કુલ રૂ. 6000નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે.
ફૂડ વિભાગ દ્વારા રૈયા રોડ પર સદગુરુ તીર્થધામ સામે આવેલ રોયલ પંજાબી એન્ડ ચાઈનીઝને હાઈજેનિક કન્ડિશન તથા લાયસન્સ બાબતે નોટિસ આપી, ત્યાંથી મળેલ 8 કિલો મંચુરિયન તથા અન્ય અખાદ્ય ફૂડનો નાશ કરી રૂ. 500નો ચાર્જ વસૂલાયો હતો. સુભાષનગર-3નાં ઈવા એપાર્ટમેન્ટમાં આવેલ પુજારા મેડિકલ સ્ટોરને પણ લાયસન્સ બાબતે નોટિસ આપી રૂ. 500 નો દંડ કરાયો હતો. તેમજ 150 ફૂટ રિંગ રોડ પર અયોધ્યા સર્કલ પાસે આવેલ શ્રેયસ ટ્રેડ લિંકને અયોગ્ય સ્ટોરેજ, હાઈજેનિક કન્ડિશન બદલ નોટિસ આપી રૂ. 5000 નો વહીવટી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.