રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સમર શેડ્યૂલ અંતર્ગત એર ઇન્ડિયા અને ઈન્ડિગો દ્વારા ફ્લાઈટની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે, પરંતુ આગામી 7 મે, ગુરુવારના રોજ મુંબઈ જતી ફ્લાઈટોને બ્રેક લાગશે. મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બે રન-વેના મેન્ટેનન્સ કામગીરીને પગલે રાજકોટ-મુંબઈ રૂટની 3 મહત્વની ફ્લાઈટો કેન્સલ કરવાની જાહેરાત કરવામાં આવી છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા મેન્ટેનન્સ અંગે અગાઉથી જાણ કરવામાં આવતા એરલાઇન્સ કંપનીઓએ શિડ્યુલમાં ફેરફાર કર્યો છે.
કેન્સલ થયેલી ફ્લાઈટોની વિગત મુજબ, ઈન્ડિગો એરલાઇન્સની સાંજે 4.20 વાગ્યાની અને 7.45 વાગ્યાની ફ્લાઈટ રદ રહેશે. આ ઉપરાંત, એર ઇન્ડિયાની સાંજે 6 વાગ્યાની રાજકોટ-મુંબઈ ફ્લાઈટ પણ કેન્સલ કરવામાં આવી છે. એરલાઇન્સ કંપનીઓ દ્વારા આ અંગે મુસાફરોને અગાઉથી જાણ કરી દેવામાં આવી છે જેથી એરપોર્ટ પર અફરાતફરી ન સર્જાય. જોકે, કામકાજ અર્થે રાજકોટથી મુંબઈ જનારા અને મુંબઈથી પરત ફરનારા મુસાફરો માટે અન્ય કોઈ વિકલ્પ નહીં રહેતા તેઓએ ભારે હેરાનગતિ ભોગવવી પડશે. એરપોર્ટ સૂત્રોના જણાવ્યા અનુસાર, રન-વેની આ કામગીરી પૂર્વ નિર્ધારિત હોવાથી માત્ર ગુરુવારના ટ્રાફિકને તેની અસર પહોંચશે. ત્યારબાદ ફ્લાઈટ વ્યવહાર રાબેતા મુજબ કાર્યરત થઈ જશે.