રાજકોટના બુટલેગર હાર્દિક વિરુદ્ધ વધુ એક ફરિયાદ દાખલ

રાજકોટના નામચીન બુટલેગર હાર્દિક ઉર્ફે કવિ વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગત 18 એપ્રિલના રોજ દીકરીએ નોંધાવેલ ફરિયાદ બાદ આજ રોજ તેની પત્ની દ્વારા માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે જેમાં પત્ની દ્વારા છૂટાછેડા લેવા માટે વકીલની સલાહ લેવામાં આવી હોવાનો ખાર રાખી માર મારતા ઈજાગ્રસ્ત પત્નીએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ફરિયાદ નોંધાવતા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

પતિએ ઉશ્‍કેરાઈ પત્‍નીને ઢીકાપાટુનો માર માર્યો ગોકુલધામ આવાસ ક્‍વાર્ટરમાં રહેતાં જયશ્રીબેન હાર્દિકભાઇ સોલંકી (ઉ.વ.44)ને ચાર મહિના પહેલા પતિ સાથે ઝઘડો થતા તેઓ પોતાની મોટી દીકરી સાથે મુંબઈ રહેવા જતા રહ્યા હતા. તે સમયે તેમણે પતિથી છૂટાછેડા લેવા માટે વકીલની સલાહ લીધી હતી, પરંતુ 15 દિવસ પહેલા જ્ઞાતિના આગેવાનો અને પરિવાર દ્વારા સમાધાન થતા તેઓ પરત રાજકોટ ઘરે આવ્‍યા હતા. દરમિયાન સોમવારે સાંજે પતિ હાર્દિક ઘરે આવ્‍યા ત્‍યારે તેમને ખબર પડી કે પત્‍નીએ અગાઉ છૂટાછેડા માટે વકીલનો સંપર્ક કર્યો હતો તેથી આ વાતનો ખાર રાખી ગાળાગાળી કરી હતી જેથી પત્‍નીએ ગાળો બોલવાની ના પાડતા પતિએ ઉશ્‍કેરાઈ ઢીકાપાટુનો માર માર્યો હતો.

પત્નીની પતિ વિરૂદ્ધ ફરિયાદ બાદમાં પતિએ હાથમાં પહેરેલી લક્કી વડે જયશ્રીબેનના માથામાં જમણી બાજુ મારતા લોહીલુહાણ હાલતમાં તેઓ બેભાન જેવા થઈ ગયા હતા. બૂમાબૂમ થતા નાની દીકરીએ પડોશીને બોલાવ્‍યા હતા જેમણે વચ્‍ચે પડી જયશ્રીબેનને છોડાવ્‍યા હતા. ઈજાગ્રસ્‍ત હાલતમાં તેમને તાત્‍કાલિક દોશી હોસ્પિટલ લઈ જવામાં આવ્‍યા હતા જ્‍યાં માથામાં ત્રણ ટાંકા આવ્‍યા હતા. ત્‍યારબાદ વધુ સારવાર માટ અન્ય હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્‍યાં તેમના જમણા હાથમાં ફ્રેક્‍ચર હોવાથી ઓપરેશન કરવું પડ્‍યું છે. આ મામલે જયશ્રીબેને હોસ્‍પિટલના બિછાનેથી જ પોતાના પતિ વિરૂદ્ધ ફરિયાદ કરતાં માલવીયાનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *