ડિજિટલ ક્રાંતિની સાથે દેશમાં સાયબર છેતરપિંડીના કિસ્સાઓ પણ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. તાજેતરમાં રાજકોટના સરધાર ગામના એક વેપારી સાથે TMT સળિયાના સોદામાં રૂ. 14.40 લાખની મોટી છેતરપિંડી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
કંપનીના ડીલર હોવાનું કહી જાળ બિછાવી સરધાર ગામે સ્વામિનારાયણ મંદિર પાસે રહેતા અને ‘ઉમા શક્તિ એન્ટરપ્રાઇઝ’ નામે RCC રો-મટીરીયલ્સનો વ્યવસાય કરતા હીરેનભાઈ કાશીપરાએ ડિસેમ્બર 2025માં ઈન્ડિયા માર્ટ (IndiaMART) પોર્ટલ પર સળિયા ખરીદવા માટે ઓનલાઇન ઇન્કવાયરી કરી હતી. આ ઈન્કવાયરીના આધારે, 1 જાન્યુઆરી 2026ના રોજ તેમને કેશવ ઝા નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ ‘કેશવ એન્ટરપ્રાઇઝ’ના પ્રતિનિધિ તરીકે આપી હતી અને પોતે ટાટા, JSW તથા દુર્ગાપુર જેવી જાણીતી કંપનીઓના ડીલર હોવાનો દાવો કર્યો હતો.
છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી વેપારી અને કથિત ડીલર વચ્ચે થયેલી વાતચીત બાદ, 30 ટન TMT સળિયા માટે રૂ. 14.40 લાખમાં સોદો નક્કી થયો હતો. વિશ્વાસમાં આવીને હીરેનભાઈએ 14 જાન્યુઆરી 2026ના રોજ RTGS મારફતે આ રકમ કેશવ એન્ટરપ્રાઇઝના યુનિયન બેંકના ખાતામાં ટ્રાન્સફર કરી દીધી હતી.
બહાના કાઢીને ફોન બંધ કરી દીધો પૈસા મળી ગયા પછી આરોપીએ માલ મોકલવાને બદલે અવનવા બહાના કાઢવાનું શરૂ કર્યું હતું અને અંતે પોતાનો ફોન બંધ કરી સંપર્ક તોડી નાખ્યો હતો. છેતરપિંડીનો અહેસાસ થતા જ વેપારીએ તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી. હાલ રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.