સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપનું ટાઇટલ જીતી લીધું છે. ટીમે ન્યૂયોર્કના ન્યૂ જર્સી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં 2022ની ચેમ્પિયન આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું. સ્પેન માટે એક્સ્ટ્રા ટાઇમમાં ફેરાન ટોરેસે ગોલ કર્યો. આ સાથે જ સ્પેને 2010 પછી બીજી વખત ટ્રોફી પોતાના નામે કરી, ત્યારે ટીમે નેધરલેન્ડ્સને 1-0થી હરાવ્યું હતું.
મેચની નિર્ધારિત 90 મિનિટ સુધી બંને ટીમ ગોલ કરી શકી નહોતી. પ્રથમ હાફમાં સ્પેનના લામિન યમાલ અને આર્જેન્ટિનાના કેપ્ટન લિઓનલ મેસ્સીને ગોલ કરવાની તકો મળી હતી, પરંતુ બંને તેનો ફાયદો ઉઠાવી શક્યા નહોતા. સમગ્ર મેચ દરમિયાન સ્પેને સતત એટેકિંગ રમત બતાવી હતી, જ્યારે આર્જેન્ટિનાના ગોલકીપર એમિલિયાનો માર્ટિનેઝે કેટલાક શાનદાર બચાવ કરીને ટીમને મેચમાં ટકાવી રાખી હતી.
આર્જેન્ટિનાને 90+2મી મિનિટે મોટો ઝટકો લાગ્યો હતો. મિડફિલ્ડર એન્ઝો ફર્નાન્ડીઝે સ્પેનના ડિફેન્ડર પાઉ કુબાર્સી પર ટેકલ કર્યો, જેના પછી રેફરીએ તેને સીધું રેડ કાર્ડ બતાવ્યું. આ કારણે આર્જેન્ટિનાએ આખા એક્સ્ટ્રા ટાઇમમાં 10 ખેલાડીઓ સાથે રમવું પડ્યું હતું.
સ્પેનના યુવા ખેલાડી લામિન યમાલે આખી મેચમાં આર્જેન્ટિનાના ડિફેન્સ પર સતત દબાણ જાળવી રાખ્યું હતું. બીજી તરફ મેસ્સીએ પણ ઘણી વખત સ્પેનના બોક્સમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ગોલ કરી શક્યો નહીં. 41મી મિનિટે આર્જેન્ટિનાના લિસાન્દ્રો માર્ટિનેઝ અને બીજા હાફની 52મી મિનિટે લિએન્દ્રો પારેડેસને પણ યેલો કાર્ડ બતાવ્યું હતું.