રાજકોટમાં ચાલુ વર્ષે નબળા ચોમાસાને લઈ જળસંકટ તોળાઈ રહ્યું છે. ખાસ તો, છેલ્લા કેટલાક દિવસોથી સૌની યોજનાના નિર પણ જળાશયોમાં છોડવાનું બંધ કરાયું હતું. જોકે હવે રાજકોટ પરથી જળસંકટ ટળશે અને નર્મદાની પાઇપલાઇનનું સમારકામ પૂર્ણ થતાં એકાદ-બે દિવસમાં આજી અને ન્યારીડેમમાં સૌની યોજના હેઠળ નર્મદાનાં નીર ઠાલવવા સિંચાઈ વિભાગે સંકેત આપ્યા છે. રાજકોટવાસીઓ માટે આ રાહતરૂપ સમાચાર છે કારણ કે હવે ફરી એકાદ-બે દિવસમાં જ શહેરને પાણી પુરૂ પાડતા આજી-1 અને ન્યારી-1 ડેમમાં સૌની યોજના થકી નર્મદાનીર છોડવાનું શરૂ કરી દેવાશે.
આ અંગે રાજકોટ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર અંકિત પિનારાએ જણાવ્યું હતું કે, નર્મદાની પાઇપલાઇનનું સમારકામ પૂર્ણ થઈ ચૂક્યું છે. અને હાલમાં રાજકોટનાં આજી અને ન્યારી ડેમમાં સૌની યોજના હેઠળ નર્મદાનાં નીર ઠાલવવા માટે તમામ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. ત્યારે આગામી એકાદ બે દિવસમાં જ મનપા તંત્રની માંગ અનુસાર પાણી છોડવાની શરૂઆત કરી દેવાશે. જેમાં પ્રથમ તબક્કામાં લગભગ જાન્યુઆરી સુધી રાજકોટને પુરૂ થાય તેટલુ પાણી પ્રથમ આપી દેવાશે.