સ્થાનિકોની રજૂઆત બાદ તંત્ર એક્શન મોડમાં

જેતપુરના દેસાઈવાડી શાક માર્કેટ વિસ્તારમાં નગરપાલિકાની દબાણ હટાવ શાખાએ આકરા મીજાજના દર્શન કરાવ્યા હતા અને દબાણ હટાવવાની સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી.

રહેણાંક વિસ્તારમાં નડતરરૂપ બનેલી શાકભાજીની રેંકડીઓ અને દબાણો દૂર કરવા પહોંચેલા પાલિકાના સ્ટાફ સામે રેંકડીધારકોએ ભારે વિરોધ નોંધાવતા વાતાવરણ ગરમાયું હતું. આખરે મામલો થાળે પાડવા માટે પોલીસની મદદ લેવી પડી હતી.

​દેસાઈવાડી રહેણાંક વિસ્તારના સ્થાનિક રહીશોએ ચાર દિવસ પૂર્વે જ નગરપાલિકામાં લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. સ્થાનિકોનો આક્ષેપ હતો કે, રોડ પર શાકભાજીની લારીઓ ઉભી રહેતી હોવાથી ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય છે.

શાકભાજી વેચતા કેટલાક ફેરીયાઓ સ્થાનિક રહીશો સાથે ગાળાગાળી કરી ઝઘડો કરે છે, રોડ પર ફેંકાતા શાકભાજીના કચરાને કારણે રખડતા ઢોરનો ત્રાસ અસહ્ય વધી ગયો છે, જેણે ભૂતકાળમાં ઘણા લોકોને ઢીંકે ચડાવી ઇજાગ્રસ્ત પણ કર્યા છે.

આથી નગરપાલિકાનો સ્ટાફ જ્યારે દબાણો અને રેંકડીઓ દૂર કરવા પહોંચ્યો ત્યારે રેંકડીધારકોએ ભારે રકઝક શરૂ કરી દીધી હતી. પાલિકાના સ્ટાફ અને રેંકડીધારકો વચ્ચે ઘર્ષણ વધતા અને મામલો બિચકતા તાત્કાલિક ધોરણે પોલીસ કાફલો બોલાવી લેવામાં આવ્યો હતો. પોલીસની હાજરીમાં નગરપાલિકાએ માર્ગ નડતરરૂપ તમામ રેંકડીઓ હટાવી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *