સૌરાષ્ટ્ર યુનિ.ના સત્તાધિશોની અણઆવડત!

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષ 2017માં 9 કરોડનાં ખર્ચે નિર્માણ પામેલો આંતરરાષ્ટ્રીય કક્ષાનો સ્વિમિંગ પૂલ ફરી શોભાના ગાઠિયા સમાન બની રહે તો નવાઈ નહીં. કારણ કે, અહીં છેલ્લા દોઢ વર્ષથી કોન્ટ્રાક્ટ આધારિત ફરજ બજાવતા કોચે અગાઉ રાજીનામું આપેલું છે અને હવે મેઇન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ પણ રદ કરી દેવામા આવતા આ સ્વિમિંગ પૂલમાં ભારે ગંદકી જોવા મળી રહી છે. જેને કારણે આંતર કોલેજ સ્વિમિંગ અને ડાઇવિંગ સ્પર્ધા છેલ્લી ઘડીએ મોકૂફ રાખવાનું જાહેર થતાં સ્પર્ધકો મુશ્કેલીમાં મુકાયા છે. દરમિયાન આ સ્વિમિંગ પૂલમાં સફાઈ થતા 1 માસ લાગતા ત્યાં સુધી સ્વિમિંગની પ્રેક્ટિસ કરતા નેશનલ અને સ્ટેટ કક્ષાના સ્વિમર માટે બંધ રહેશે. જ્યારે કોચ ન હોવાથી સ્વિમિંગ શિખવા માગતા વિદ્યાર્થીઓ માટે આ સ્વિમિંગ પૂલ સદંતર બંધ કરી દેવામા આવતા ફરી યુનિવર્સિટીના સત્તાધીશોની વહિવટી અણઆવડત સામે સવાલો ઊભા થયા છે. યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલકૂદના 16 મેદાનો છે પરંતુ તેમાંથી માત્ર 2 જ રમતના કોચ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડો. હરીશ રાબાને આંતરરાષ્ટ્રીય સ્વિમિંગ પૂલ સફાઈ અને મેઇન્ટેનન્સના અભાવે બંધ હોવા અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, યુનિવર્સિટી દ્વારા સફાઈ માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. જેમના દ્વારા પાણી શુદ્ધિકરણની સાથે એક માસમાં સફાઈ કરવામાં આવશે. જે બાદ જ ખેલાડીઓ માટે આ સ્વિમિંગ પૂલ શરૂ થઈ શકશે. આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્વિમિંગ પૂલના મેઇન્ટેનન્સ માટે વાર્ષિક રૂ. 11 લાખનો કોન્ટ્રાક્ટ આપતાં હતા. પરંતુ તે રીન્યુ કરવામા આવેલો નથી. જેની જગ્યાએ 2 મજૂર અને 1 ઓપરેટરને રાખેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *