મવળી વિસ્તારમાં રહેતા એસ્ટેટ બ્રોકર ભાગીદારો સાથે જમીનમાં કમિશન અપાવવાના બહાને 3 કરોડની ઠગાઈ કર્યાના બનાવમાં 4 સ્વામી સહિતની ટોળકી વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો. જેમાં પોલીસે સુરતમાં રહેતા ચીટર ટોળકીના સાગરીત અને કામરેજના શિક્ષકોને ઝડપી લઈ 4 દિવસના રિમાન્ડ મેળવી ફરાર સ્વામી સહિતની ટોળીને ઝડપી લેવા દોડધામ શરૂ કરી હતી. દરમિયાન રાજકોટ આર્થિક ગુના નિવારણ શાખાએ બાતમીના આધારે ભૂપેન્દ્ર પટેલ અને વિજયસિંહ ચૌહાણની ગોવાથી ધરપકડ કરી રાજકોટ લાવ્યા બાદ કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે બંને આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે ભૂગર્ભમાં રહેલા ચારેય સ્વામીની શોધખોળ હાથ ધરી છે.
મવળીના નવલનગરમાં રહેતા અને ભક્તિનગર સર્કલ પાસેના મેઘાણી રંગભુવનમાં ઓફિસ ધરાવતા જસ્મીન બાલાશંકર માઢક અને જય મોલિયા નામના એસ્ટેટ બ્રોકર ભાગીદારો સાથે ધોરાજીના ઝાલણસરના વિજયપ્રકાશ સ્વામી ઉર્ફે લી.પી. સ્વામી, જૂનાગઢના જયકૃષ્ણ સ્વામી ઉર્ફે જે.કે. સ્વામી, અંકલેશ્વર પાનોલીના માધવપ્રિય સ્વામી ઉર્ફે એમ.પી. સ્વામી, આણંદના દેવપ્રકાશ સ્વામી ઉર્ફે દેવપ્રીય સ્વામી, સુરતના લાલજી બાવભાઈ ઢોલા, સુરતના સુરેશ ધોરી, ભૂપેન્દ્ર પટેલ, વિજયસિંહ આલુસિંહ ચૌહાણ સહિતની ટોળકી દ્વારા લિંબ ગામે પોઇચા જેવું મંદિર અને ગૌશાળા બનાવવા માટે જમીન ખરીદવાના બહાને 3.04 કરોડની ઠગાઈ કરવામાં આવી હોવાની ફરિયાદ જસ્મિન મોઢકે નોંધાવતા પોલીસે ચીટર ટોળકી સામે ગુનો નોંધ્યો હતો.