સૌરાષ્ટ્ર યુનિ.ના ખેલકૂદના 17 મેદાનો વેરાન બન્યા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપનાકાળથી અત્યારસુધીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના 2 સહિત 17 મેદાનોનુ નિર્માણ થયું છે. પરંતુ અત્યારસુધીના એકપણ કુલપતિએ અહીં કાયમી કોચની નિમણૂક કરી નથી અને તેને કારણે યુનિવર્સિટીના મોટાભાગના મેદાનો વેરાન બન્યા છે. યુનિવર્સિટીનું આંતરરાષ્ટ્રીય કક્ષાનું હોકીનુ ગ્રાઉન્ડ અને ઇન્ટરનેશનલ સ્વિમિંગ પૂલ કોચના અભાવે બંધ છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તા અને વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતે આ મામલે કુલપતિ ડો. કમલ ડોડિયા સમક્ષ તપાસની માગ કરી છે. આ મેદાનો પર પ્રેક્ટિસ માટે આવતા ખેલાડીઓને પ્રાથમિક સુવિધા પૂરી પાડવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે.

રોહિત રાજપૂતે પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે, એક તરફ રાજ્ય સરકાર ‘રમશે ગુજરાત,જીતશે ગુજરાત’ જેવા સ્લોગનો સાથે 2036માં ગુજરાતમાં રમાનાર ઓલિમ્પિકમાં આપણા રાજ્યના રમતવીરો વધુમાં વધુ ભાગ લઈ શકે તે માટે મોટા મોટા પ્રોજક્ટો, યોજનાઓ થકી પ્રોત્સાહન આપી રહી છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલા સ્પોર્ટ્સના મેદાનો, ઇન્ડોર સંકુલ, અલગ અલગ ગેમ્સના કોટ, સ્વિમિંગ પૂલ વેરાન હાલતમા છે. કરોડોના ખર્ચે તૈયાર થયેલ આ તમામ સ્પોર્ટ્સ સંકુલોના મેઇન્ટેન્સ અને સાફ સફાઈ અર્થે લાખોનો ખર્ચ કરે છે. છતાં છેલ્લા ઘણા સમયથી સાફ સફાઈ જ ન થતી હોવાનું સામે આવ્યું છે. રમતવીરોને યુનિવર્સિટી બીજુ કઈ પ્રોત્સાહન આપી ન શકે એ તો ઠીક પરંતુ જે-તે ગ્રાઉન્ડ કે સંકુલોની સાફ સફાઈ, પીવાનુ પાણી, વોશરૂમ, ક્લોથ્સ ચેન્જિંગ રૂમ જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં યુનિવર્સિટીનો શારીરિક શિક્ષણ વિભાગ સક્ષમ ન હોય તો આમાં યુનિવર્સિટીના રમતવીરો કઈ રીતે રાજ્ય કક્ષાએ કે દેશ કક્ષાએ આપણી યુનિવર્સિટીનુ નામ રોશન કરશે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *