સૌરાષ્ટ્રના દર્દીઓને રેડિયેશન થેરાપી માટે અમદાવાદ જવામાંથી મુક્તિ

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના કેન્સરના દર્દીઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે કારણ કે ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલ રાજકોટમાં કેન્સરના દર્દીઓ માટે હવે એક સંપૂર્ણ વન-સ્ટોપ કેન્સર કેર સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. જેથી હવે કેન્સરના દર્દીઓને સર્જરી, કિમોથેરાપી અને અદ્યતન રેડિયોથેરાપી જેવી તમામ જટીલ સારવાર અહીં જ મળી રહેશે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી સૌરાષ્ટ્રના દર્દીઓ કેન્સરની સારવાર માટે અમદાવાદ તેમજ દિલ્લી મુંબઈ જેવા મોટા શહેરોમાં જતા હતા, જે હવે રાજકોટમાં ઘર આંગણે જ મળતા અન્ય શહેરો સુધી ધક્કા ખાવામાંથી મુક્તિ મળી રહેશે.

દર્દીઓનો સમય અને ખર્ચમાં મોટી બચત થશે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓને સર્જરી અને કિમોથેરાપી કરાવ્યા બાદ રેડિયેશન થેરાપી માટે અમદાવાદ કે અન્ય મોટા શહેરો તરફ દોડવું પડતું હતું. પરંતુ હવે રાજકોટ એઈમ્સ ખાતૈ વૈશ્વિક ટેકનોલોજી જેવી કે હાઈ એનર્જી એક્સિલરેટર, સિમ્યુલેશન અને એચડીઆર બ્રેકીથેરાપી શરૂ કરી દેવામાં આવતા એઇમ્સની શરૂ થયેલી આ નવી સુવિધાના કારણે દર્દીઓનો સમય અને ખર્ચમાં મોટી બચત થશે.

રાજકોટ એઇમ્સમાં શરૂ થયેલ સુવિધાની વાત કરવામાં આવે તો તબીબી દ્રષ્ટિકોણથી સૌથી મોટી વિશેષતા તેમાં સામેલ અદ્યતન રેડિયેશન ટેકનિકો છે. કારણ કે ત્રણ હાઈ-ટેક પદ્ધતિમાં ઈમેજિંગ ગાઈડન્સ દ્વારા કેન્સરગ્રસ્ત કોષોની ચોક્કસ પોઝિશન નક્કી કરીને કેન્સરની ગાંઠ પર અત્યંત સચોટતાપૂર્વક હાઈડોઝ રેડિયેશનનું નિશાન સાધવામાં આવે છે. આ આધુનિક રેડિયેશન પદ્ધતિને તબીબી વિજ્ઞાનમાં શરીરમાં કાપો (ચીરો) કર્યા વિનાની સર્જરી તરીકે ઓળખવામાં આવે છે.

પરંપરાગત સર્જરીની સરખામણીએ આ ટેકનિકનો મુખ્ય ફાયદો એ છે કે, તે કેન્સરની ગાંઠ પર સીધો પ્રહાર કરે છે જેનાથી આસપાસના તંદુરસ્ત અવયવો અને કોષોને નહિવત નુકસાન પહોંચે છે અને દર્દીની રિકવરી ઝડપી બને છે. આ ઉપરાંત, મહિલાઓમાં થતા ગાયનેકોલોજિકલ કેન્સર માટે અત્યંત અસરકારક એવી એચડીઆર બ્રેકીથેરાપી પણ સફળતાપૂર્વક શરૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *