નેહલ શુક્લ જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય હતા ત્યારે ભૂતકાળમાં કહ્યું હતું કે, રાજકોટ શહેરમાં પે એન્ડ પાર્કીંગ બંધ થવું જોઈએ. હવે તેઓ મેયર બન્યા છે ત્યારે વિપક્ષે નેહલ શુક્લએ ભૂતકાળમાં કરેલી વાતની યાદ અપાવી છે. ત્યારે મેયરે કહ્યું કે, મેં કહેલી વાત મને સારી રીતે યાદ છે. નેહલ શુક્લએ રાજકોટ શહેરમાં અલગ અલગ ઝોનમાં 63 સ્થળે ચાલતા પે એન્ડ પાર્કીંગ બંધ કરી ફ્રી પાર્કીંગ કરવાના સંકેત આપ્યા છે. સાથે હાલ જે પે એન્ડ પાર્કીંગના ચાર્જને લઈ ફરિયાદો ઉઠી રહી છે તે મુદ્દે પણ કડક કાર્યવાહીની વાત કરી છે.
રાજકોટ શહેરનાં ત્રિકોણબાગ, યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ અને જામનગર રોડ સહિતનાં વિસ્તારોમાં હાલમાં પે એન્ડ પાર્કિંગ ચલાવવા માટે મનપાએ ખાનગી કોન્ટ્રાકટ આપેલા છે. જેમાં કોન્ટ્રાકટ રાખનારે નિયત રકમ મનપા તંત્રને આપવાની હોય છે. અને મનપાનાં નિયમો મુજબ પાર્કિંગ ફી વસુલવાની સતા તેમને મળે છે. જેમાં કેટલા સમય માટે કયું વાહન પાર્ક કરવામાં આવ્યું છે, તે મુજબ અલગ-અલગ ફી વસુલ કરવામાં આવતી હોય છે. આ પ્રકારના પાર્કિંગમાં એક કલાકથી લઈ એક મહિના માટે વાહન પાર્ક કરવાની સગવડ મળે છે.
જોકે અમુક સ્થળે કોન્ટ્રાકટ માર્ચ મહિનાનાં અંતમાં પુરા થઈ ચુક્યા હોવા છતાં કોન્ટ્રાકટર દ્વારા ઉઘરાણા કરવામાં આવતા હોવાનો આરોપ પણ વિપક્ષ દ્વારા લગાવવામાં આવ્યો છે. તો અમુક સ્થળે સફાઈનો સદંતર અભાવ હોવાથી કચરાના ઢગલા પડ્યા હોવાનું દિવ્યભાસ્કરની તપાસમાં જોવા મળ્યું હતું. બીજીતરફ રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકમાં આવેલા બ્રીજનાં પાર્કિંગમાં કેટલાક ઝૂપડાધારકોએ નાના-મોટા દબાણો કર્યા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.