કિંમતી ધાતુઓની વાત આવે છે, ત્યારે સોના-ચાંદી સૌથી ઉપર રહે છે. રોકાણકારો પણ ગોલ્ડ-સિલ્વરમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. પરંતુ હાલની વાત કરીએ તો, કોપર નવું સોનું બનતું જોવા મળી રહ્યું છે. તેની માગ વધવાની સાથે જ કોપરની કિંમત પણ ઝડપથી ઉછળી રહી છે અને હવે તે રેકોર્ડ હાઈ લેવલ પર પહોંચી ગઈ છે. જોકે, કોપરનાં ભાવમાં તેજી પાછળ ઘણા મોટા કારણો છે.
લંડન મેટલ એક્સચેન્જમાં તાંબાની કિંમતો નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે, કારણ કે ખાણોમાંથી પુરવઠાને લઈને વધતી ચિંતાઓ અને સંભવિત અમેરિકી ટેરિફની આશંકાએ આ ધાતુ ખરીદવા માટે હોડ મચી છે. ત્રણ મહિનાનાં બેન્ચમાર્ક કોપર વાયદા ભાવમાં 0.9% નો વધારો થયો અને તે 14,510 ડોલર પ્રતિ મેટ્રિક ટન પર કારોબાર કરી રહ્યો હતો. સોમવારે કોપરનો ભાવ 14,533 ડોલર પ્રતિ ટનના લાઈફ ટાઈમ હાઈ લેવલ પર પહોંચી ગયો હતો.
એક વર્ષમાં 16% નો વધારો
છેલ્લા કેટલાક દિવસોમાં જ નહીં, પરંતુ વર્ષભરથી કોપરની કિંમતોમાં ઝડપી ઉછાળો જોવા મળી રહ્યો છે. તેની કિંમત સોમવારે ઓલ ટાઈમ હાઈ પર પહોંચી હતી, તો છેલ્લા એક વર્ષમાં તેનું રિટર્ન જોરદાર રહ્યું છે. આંકડાઓ પર નજર નાખીએ તો, આ વર્ષે અત્યાર સુધીમાં કોપરની કિંમતોમાં 16% નો વધારો થયો છે.
કોપર પ્રાઈસનો નવો હાઈ તમામ બ્રોકરેજના અનુમાનોથી સારો છે. રિપોર્ટ્સ અનુસાર, ગોલ્ડમેન સૅશે 2026 ના ચોથા ક્વાર્ટર માટે તાંબાની કિંમત 11,200 ડોલર પ્રતિ ટન રહેવાનો અંદાજ લગાવ્યો હતો, તો ડ્યુશ બેંકે એક વર્ષ માટે સરેરાશ કિંમત 12,125 ડોલર પ્રતિ ટન રહેવાની અપેક્ષા રાખી હતી.