રાજકોટમાં સોની વેપારીનું શંકાસ્પદ હાલતમાં મોત નીપજ્યું છે. ચંદ્રેશ રાણપરા (ઉ.વ.32) નામનો યુવાન ગઈકાલે સાંજે 7 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતો ત્યારે પેટમાં દુખાવો ઉપડતા સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યો હતો. અહીં ડૉક્ટરે યુવકને તપાસતા ઝેરી પ્રવાહી પીધું હોય અથવા ભૂલથી પીવાઈ ગયું હોય એવી શંકા જતા રીટ્રોગેશન એમએલસી જાહેર કરી પોલીસને જાણ કરી હતી. આ દરમિયાન આજરોજ સવારના 6 વાગ્યે ચંદ્રેશનું મોત નીપજ્યું હતું. ચંદ્રેશ પોતે સોની કામ કરે છે અને રાજકોટની સોની બજારમાં તેમની શ્રી નિકુંજ આર્ટ નામે પેઢી આવેલી છે. તેઓ બે ભાઈમાં નાના છે. સોની યુવાન વેપારીના શંકાસ્પદ મોતથી પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી છે. હાલ પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
દીકરીની હત્યાના ગુનામાં જેલમાંથી પેરોલ જમ્પ કરી ફરાર આરોપી ઝડપાયો માંગરોળ પોલીસ મથકના હત્યાના ગુનાનો આરોપી અને હાલ રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલા કેદી પેરોલ જમ્પ કરી નાસી છૂટ્યો હતો જેને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે. રાજકોટ પોલીસે હ્યુમન સોર્સ તથા ટેક્નિકલ એનાલિસીસના આધારે પાકા કામના ફરાર કેદી કિશોરપરી ઉર્ફે ત્રિલોકપરી ગજરાજપરી ગૌસ્વામી (ઉ.વ.59) ને કોઠારીયા રોડ, અરવિંદભાઈ મણીયાર બી-ટાઇપ કવાર્ટર ખાતેથી પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોપી આપવા તજવીજ કરવામા આવી છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2015માં તેમની પુત્રીએ કોઈ યુવક સાથે ભાગી જઈ પ્રેમ લગ્ન કરી લીધા હતા જે વાતનો ખાર રાખી તેને પોતાની જ પુત્રીની હત્યા કરી નાખી હતી જે ગુના માટે હાલ તે જેલમાં સજા ભોગવી રહ્યો છે.