રાજકોટ શહેરમાં વરસાદ ન હોવા છતા મચ્છરજન્ય રોગચાળો જોખમી રીતે પ્રસરી રહ્યો છે. મહાનગરપાલિકાના આંકડા મુજબ છેલ્લા અઠવાડિયામાં ડેન્ગ્યુના 26 કેસ નોંધાઈ ચૂક્યા છે. આ સાથે જ ચાલુ વર્ષમાં 9 માસમાં જ ડેન્ગ્યુના કુલ કેસ 248 થઈ ગયા છે. જ્યારે અઠવાડિયામાં મેલેરિયાના 2 દર્દીઓ સાથે ચાલુ વર્ષે કેસ 28 તો ચિકનગુનિયાના કેસ 27 નોંધાયા છે. આ ઉપરાંત અઠવાડિયામાં શરદી-ઉધરસના 1006, ટાઇફોઇડ તાવના 5 તો સામાન્ય તાવના 631 દર્દીઓ નોંધાયા છે, જેને લઇને મનપાની ટીમ દ્વારા ફોગિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. આ આંકડો તો માત્ર કોર્પોરેશનના ચોપડે નોંધાયેલું છે હકીકતમાં આ કેસો હજારોની સંખ્યામાં સામે આવેલા છે.
93,962 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી છે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.30 સપ્ટેમ્બરથી 6 ઓકટોબર દરમિયાન પોરાનાશક કામગીરી હેઠળ આરોગ્ય કેન્દ્રના આશાવર્કર તથા વી.બી.ડી. વોલેન્ટીયર્સ સહિતની 360 ટીમો દ્વારા 93,962 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 6,578 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.