રાજકોટમાં શેરબજારમાં રોકાણ અને આઈપીઓ (IPO) ની લોભામણી લાલચ આપીને સોની વેપારીના પુત્ર સાથે ₹31.20 લાખની સાયબર છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોઈ રોકાણ કરવાની ઈચ્છા દર્શાવનાર યુવક પાસે ફેક ટ્રેડિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી સાયબર ગઠિયાઓએ લાખો રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ગુનો નોંધાતાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ઇન્સ્ટાગ્રામ રીલથી શરૂ થયો ખેલ રાજકોટના સોની બજારમાં ‘અરિહંત ટૂલ્સ’ નામે વેપાર કરતા અને સિલ્પન નોવામાં રહેતા હિરેનભાઈ ચીમનભાઈ વૈધના 47 વર્ષીય પુત્ર હિતાર્થે ફેબ્રુઆરી ૨૦૨૬માં શેરબજારમાં રોકાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તે દરમિયાન ઇન્સ્ટાગ્રામ પર ‘સીએ સ્નેહા કેજરી5’ નામના આઈડી પરથી પોસ્ટ થયેલી એક રીલ લાઈક કર્યા બાદ સાયબર ઠગોએ હિતાર્થનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ તેને ‘લાઈટ ઓફ આઈડિયલ 434’ નામના વોટ્સએપ ગ્રૂપમાં ઉમેરી શેરબજાર અંગેની ટિપ્સ આપવાનું શરૂ કરાયું હતું.
ફેક ‘સ્ટોક લર્ન ઈન્ડિયા’ એપ ડાઉનલોડ કરાવી ₹31.20 લાખ પડાવ્યા બે-ત્રણ મહિના સુધી ગ્રૂપની પ્રવૃત્તિઓ પર નજર રાખ્યા બાદ હિતાર્થે રોકાણ કરવા તૈયારી દર્શાવતાં જ ઠગોએ એક લિંક મોકલીને ‘સ્ટોક લર્ન ઈન્ડિયા’ નામની બનાવટી એપ્લિકેશન ઈન્સ્ટોલ કરાવી હતી. એપમાં આઈડી બનાવી કસ્ટમર કેર દ્વારા દર્શાવાતા વિવિધ બેંક ખાતાઓમાં હિતાર્થે તબક્કાવાર ₹31.20 લાખ જમા કરાવ્યા હતા. આ રકમ એપના વોલેટમાં દેખાતી હતી અને મોટો નફો દર્શાવવામાં આવતો હતો.