વીરપુર પાસેના ચરખડી ગામ નજીક આવેલા પાણીના ટાંકા પાસે એક્ટિવા અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં જેતપુરની આંગણવાડીમાં ફરજ બજાવતી મહિલાનું મોત નીપજ્યું હતું અને ટ્રેક્ટર ચાલકને ઇજા થઇ હતી.
પોલિયો રવિવાર હોવાથી આંગણવાડીમાં આશાવર્કર તરીકે ફરજ બજાવતા 50 વર્ષીય સલમાબેન માડકીયા ધોરાજી રોડ પર ચામુંડા નગરમાં આવેલી આંગણવાડીમાં એક્ટિવા લઈ ફરજ પર જઈ રહ્યા હતા ત્યારે સવારે નવ વાગ્યાની આસપાસ રેતી ભરેલા ટ્રેક્ટર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અકસ્માત બાદ રેતી ભરેલ ટ્રેકટર પલ્ટી મારી ગયુ હતું.
અકસ્માતના કારણે મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જયારે ટ્રેકટર ચાલક મોહનભાઇ ભૂરાભાઈ મારવાડીને ઇજા થઇ છે. અકસ્માત બાદ ઇજાગ્રસ્ત અને મૃતકને વીરપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. વીરપુરની આસપાસના વિસ્તારોમાં ઓવરલોડ વાહનો ગમે ત્યારે નિર્દોષોને અડફેટે લઇ જિંદગી સાથે ખેલે છે. આથી વીરપુર પંથકમાં ચાલતા ખનીજ ચોરી કરતા માફિયાઓના ગેરકાયદેસર વાહનોની તપાસ જો પોલીસ, પ્રાંત અધિકારી કે જેતપુર મામલતદાર દ્વારા કરવામાં આવે તો કરોડોની ખનીજ તેમજ રેતી ચોરી ઝડપાય તેમ છે.