રાજકોટના સરધાર નજીક અણીયારા ગામે જીવદયા ગૌશાળા પાસે શિવરૂદ્ર પાર્ટી પ્લોટ પાછળ રહેતા અને મૂળ મધ્યપ્રદેશની 16 વર્ષીય સગીરા પોતાના રૂમમાં એકલી હતી. સાંજના સમયે મહિમાનો 12 વર્ષીય નાનો ભાઈ રૂમ પર આવ્યો ત્યારે દરવાજો અંદરથી બંધ હતો. લાંબા સમય સુધી દરવાજો ન ખુલતાં તેણે દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. રૂમની અંદર પંખા સાથે બહેનને દોરી વડે લટકતી જોઈ ભાઈ સ્તબ્ધ થઈ ગયો હતો. તેણે તાત્કાલિક દાતરડાથી દોરી કાપીને બહેનને નીચે ઉતારી માતા-પિતાને જાણ કરી હતી.
108ની ટીમે મૃત જાહેર કરી, પોલીસે તપાસ શરૂ કરી આ બનાવની જાણ થતાં પરિવારે તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને બોલાવી હતી. જોકે, ઘટનાસ્થળે પહોંચેલા 108ના EMT એ તપાસીને સગીરાને મૃત જાહેર કરી હતી. આજીડેમ પોલીસને બનાવની જાણ કરવામાં આવતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.
પોલીસ તપાસ અનુસાર, મૃતકના માતા-પિતા ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. માતા-પિતાએ સગીરાને ખેતરે કામે સાથે આવવા કહ્યું હતું પરંતુ, તે કામે જવા માંગતી ન હોવાથી પરિવારજનોએ ઠપકો આપ્યો હતો. આ વાતનું માઠું લાગી આવતાં આવેશમાં આવીને સગીરાએ પંખા સાથે દોરી બાંધી જીવન ટૂંકાવી લીધું હતું. આજીડેમ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
પતિના વિયોગમાં પત્નીનો ઝેરી પાવડર પી આપઘાત જયારે બીજા બનાવમાં શહેરના ગાયત્રીનગર મેઇન રોડ પર આવેલા ગોપાલનગરમાં રહેતા પારુલબેન હિતેશભાઇ પરમાર (ઉ.વ.48) બપોરના 2.30 વાગ્યા આસપાસ પોતાના ઘરે હતા ત્યારે ઝેરી પાવડર પી લીધો હતો જેના કારણે પ્રૌઢાને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જયા તેમનુ ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક પારુલબેન પરમારને સંતાનમાં બે પુત્રહોવાનું સામે આવ્યું છે. પારુલબેન પરમારના પતિ હિતેશભાઇ પરમારનુ બે મહિના પૂર્વે અવસાન થયુ હતું. પતિ વિયોગમાં પારુલબેન પરમારે ઝેરી પાવડર પી જીવન ટૂંકાવી લીધુ હોવાનુ સામે આવ્યું છે. હાલ બનાવ અંગે જાણ થતા ભક્તિનગર પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.