વાહન ભાડે આપવાનો ધંધાર્થી એક લાખના ડ્રગ્સ સાથે પકડાયો

શહેરમાં યુવાધન નશાના રવાડે ન ચડે અને માદક પદાર્થનું વેચાણ અટકે તે માટે ‘સે નો ટુ ડ્રગ્સ’ મિશન સાથે માદક પદાર્થના ધંધાર્થી પર અંકુશ લગાવવા સરકારે આદેશ કર્યો હતો. એક્શનમાં આવેલી પોલીસે કેનાલ રોડ પર દરોડો પાડી એક લાખની કિંમતના 10.84 ગ્રામ મેફેડ્રોન (ડ્રગ્સ)સાથે વાહન ભાડે આપવાનો ધંધો કરતા શખ્સને એસઓજીની ટીમે ઝડપી લીધો હતો. તેની પૂછતાછ કરતાં તેને દોઢ વર્ષથી નશાની કુટેવ હોય, ખર્ચ કાઢવા માટે એકાદ માસથી ડ્રગ્સ જંગલેશ્વરમાંથી લઇને અલગ-અલગ પડીકીઓ બનાવી વેચતો હોવાનું રટણ કરતાં એ-ડિવિઝન પોલીસે તેની ધરપકડ કરી હતી. તેમજ વધુ પૂછતાછ માટે તેના રિમાન્ડની માંગ સાથે કોર્ટ હવાલે કર્યો હતો જેમાં કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.

કેનાલ રોડ પર માદક પદાર્થની હેરાફેરી થતી હોવાની માહિતીને આધારે પીઆઇ એસ.એમ.જાડેજા તેમજ એફ.એસ.એલ.ના એસ.એચ.ઉપાધ્યાય સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી. પોલીસે શંકાસ્પદ હાલતમાં નંબર પ્લેટ વગરના ટૂ વ્હિલર વાહનચાલકને અટકાવી તેની પૂછતાછ કરી હતી. જેમાં તે પેડક રોડ પર ગાંધી સ્મૃતિ સોસાયટીમાં રહેતો હર્ષ દેવાભાઇ ચાવડિયા (ઉ.19) હોવાનું જણાવ્યું હતું. દરમિયાન પોલીસે તેની તલાશી લેતા તેની પાસેથી રૂ.1.08 લાખની કિંમતનો માદક પદાર્થ (મેફેડ્રોન ડ્રગ્સ) મળી આવતા તેની અટકાયત કરી એ-ડિવિઝન પોલીસ હવાલે કરતા તેની ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી ડ્રગ્સ, મોટરસાઇકલ, મોબાઇલ મળી કુલ રૂ.2.03 લાખની મતા કબજે કરી હતી. પોલીસની પૂછપરછમાં તે ભાડે વાહન આપવાનું કામ કરતો હોવાનું અને દોઢ વર્ષથી નશાની કુટેવ ધરાવતો હોય, નશાનો ખર્ચ કાઢવા માટે છેલ્લા દોઢેક માસથી જંગલેશ્વરમાંથી લઇ આવી છૂટક અલગ-અલગ પડીકીઓ બનાવી ફોન પર બંધાણીઓને વેચતો હોવાનું રટણ કરતા પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *