શહેરની ભાગોળે ભાવનગર રોડ પર આવેલી આર.કે.યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં ગોંડલના કૃણાલ માનસીંગભાઇ વાઢેર (ઉ.વ.19)નું મુસ્તાક ધારાગઢી સહિત પાંચ શખ્સે કારમાં અપહરણ કર્યું હતું અને રૂ.1.50 લાખની ખંડણી માગી હતી. બાદમાં યુવકને મુક્ત કરી આરોપીઓ નાસી ગયા હતા. પોલીસે બે આરોપીને ઝડપી લીધા હતા.
આર.કે. યુનિવર્સિટીમાં બીએસસીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં કૃણાલ માનસીંગભાઇ વાઢેરે (ઉ.વ.19) આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે મુસ્તાક જુસબ ધારાગઢી, વત્સલ જીતુ વેકરિયા, મંગલ પરમાર અને ગૌતમના નામ આપ્યા હતા. કૃણાલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, સોમવારે બપોરે પોતે આર.કે.યુનિવર્સિટીના ગેટ પાસે ઊભો હતો ત્યારે તેના સાથી વિદ્યાર્થી પ્રિયાંશુસિંહ રાઠોડ સ્કૂટર લઇને આવ્યો હતો અને સિબ્તન હેરંજા સાથે તારું સમાધાન કરાવી નાખીએ તે લોકો તારી અર્ટિગા કાર પણ લઇ ગયા છે તેમ કહી કૃણાલને પોતાની સાથે લઇ ગયો હતો.
ગઢકા રોડ પર પહોંચ્યા ત્યારે બે સ્કોર્પિયો અને એક કાર ધસી આવી હતી. જેમાંથી મુસ્તાક ધારાગઢી અને કોલેજના પૂર્વ વિદ્યાર્થી વત્સલ જીતુ વેકરિયા અને ગૌતમ સહિતનાઓ નીચે ઉતર્યા હતા. મુસ્તાકે ‘તું કેમ મારા છોકરાઓની બધી જગ્યાએ આડા પગે આવે છે, તું સિબ્તેનને ક્યાંય નડ્યો તો તને ગમે ત્યાંથી ગોતીને મારીશ’ તેવી ધમકી આપી આઠ ફડાકા મારી દીધા હતા અને બાદમાં કૃણાલને બળજબરીથી સ્કોર્પિયોમાં બેસાડી દીધો હતો અને મુસ્તાક સહિતનાઓ તેમાં ગોઠવાઇ ગયા હતા અને સ્કોર્પિયો હંકારી મૂકી હતી. કૃણાલે સમાધાન કરી નાખો તેમ કહેતા મુસ્તાકે સમાધાન તો પ્રેમથી કરી નાખવું છે, પરંતુ દોઢ લાખ આપવા પડશે તેમ કહી પૈસાની માંગ કરી હતી.