રાજકોટ જંક્શન પર ઢોલ-નગારા, હર હર મહાદેવના નાદ સાથે 404 ભાવિક 7 જ્યોતિર્લિંગની જાત્રાએ રવાના

રાજકોટ રેલવે જંક્શનથી મંગળવારે સાંજે ઢોલ-નગારા, હર હર મહાદેવના નાદ સાથે 7 જ્યોતિર્લિંગ શ્રાવણ સ્પેશિયલ ટ્રેનનું પ્રયાણ થયું છે. ભારતીય રેલવે અને આઇઆરસીટીસી દ્વારા 10 દિવસ અને 9 રાત્રીની આ શ્રાવણ સ્પેશિયલ ટ્રેનમાં કુલ 404 યાત્રિકનું બુકિંગ થયું છે. સ્પે.ટ્રેનમાં રાજકોટના 200થી વધુ ભાવિકોએ બુકિંગ કરાવ્યું હોય મંગળવારે સાંજે ઢોલ-નગારાથી રાજકોટ રેલવે જંક્શન ગુંજી ઉઠ્યું હતું. સ્પે.શ્રાવણ માસ ટ્રેનમાં જાત્રા કરવા જનાર તમામ યાત્રિકો પર ફૂલવર્ષા, તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.

રાજકોટ સ્ટેશનના પ્લેટફોર્મ નં.3 પર ઢોલ-નગારાના સંગીતથી શિવભક્ત યાત્રિકોએ ગરબા કરી માહોલને શિવમય બનાવી દીધો હતો. આજે રવાના થયેલી શ્રાવણ માસ સ્પે.ટ્રેન મહાકાલેશ્વર, ઓમરાકેશ્વર, ત્રંબકેશ્વર, ભીમાશંકર, ગ્રિષ્ણેશ્વર, પરલીવૈજનાથ, મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના દર્શન કરાવી તા.29ના રોજ પરત રાજકોટ આવશે. યાત્રિકોને મુસાફરી દરમિયાન કોઇ તકલીફ ન પડે તે માટે તમામ સુવિધાઓ ટ્રેનમાં ઉપલબ્ધ કરવામાં આવી છે. એટલું જ નહિ ધાર્મિક ટ્રેન હોવાને કારણે તમામ યાત્રિકોને શુદ્ધ શાકાહારી ભોજન, ચા-પાણી, નાસ્તો આપવામાં આવશે. જ્યાં જ્યાં રોકાણ થશે તે સ્થળોએ હોટેલોમાં અને દર્શન કરવા જવા-આવવા માટે બસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *