સામાન્ય રીતે યાર્ડ-બજારમાં નવી મગફળી અને કપાસની આવક દિવાળીમાં થતી હોય છે. તેના બદલે આ વર્ષે બેડી યાર્ડમાં નવી મગફળીની આવક જન્માષ્ટમી પહેલાં જ થઇ ચૂકી છે. હળવદના ખેડુત 50 બોરી મગફળી લઇને આવ્યા હતા.નવી મગફળીની આવકના સોદામાં એક મણનો ભાવ રૂ.1051 બોલાયો હતો. આ ઉપરાંત કપાસની પણ નવી આવક થઇ હતી. પાંચ દ્વારકા ગામના ખેડૂત ત્રણ મણ કપાસ લઇને બેડી યાર્ડમાં વેચવા માટે આવ્યા હતા અને એક મણ કપાસનો ભાવ રૂ.1611 બોલાયો હતો.જન્માષ્ટમીથી તહેવારની સિઝનનો પ્રારંભ થશે. ત્યારેે હવે મગફળીની ડિમાન્ડમાં પણ વધારો થશે.
હાલમાં મગફળીની દૈનિક આવક 350 ક્વિન્ટલ થઇ રહી છે. જ્યારે તેનો ભાવ રૂ.1090થી 1150 સુધી બોલાઇ રહ્યો છે.જન્માષ્ટમી પૂર્વે જ મગફળીની નવી આવક શરૂ થતા હવે સમયાંતરે નવી મગફળીની આવક થતી રહેશે તેમ વેપારીઓ જણાવી રહ્યા છે.એક બાજુ નવી મગફળીની આવક શરૂ થઈ છે.
શ્રાવણ માસને કારણે મગફળી અને સિંગતેલની ડિમાન્ડમાં પણ વધારો થયો છે. જેને કારણે સિંગતેલના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે. મંગળવારે સિંગતેલનો ભાવ રૂ.2645 હતો. જે સોમવારની સરખામણીએ રૂ.10 વધારે હતો. સિંગતેલ લૂઝનો ભાવ રૂ.1500 નોંધાયો હતો. જેમાં સામાન્ય ટેન્કરના કામકાજ નોંધાયા હતા. સિંગતેલ સિવાય અન્ય સાઇડ તેલના ભાવમાં સ્થિર વલણ રહ્યું હતું. કપાસિયા તેલના ડબ્બાના ભાવે રૂ.1700ની સપાટી કુદાવતા તેનો ભાવ રૂ.1720 પહોંચ્યો છે.