રાજકોટના કાલાવડ રોડ પર ન્યારી ફિલ્ટર પ્લાન્ટના ટાંકા પાસે મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલો પ્રથમ મહિલા હોકર્સ ઝોન નિષ્ફળ સાબિત થયો છે, છતાં મનપા તંત્રએ વોર્ડ નંબર 4માં ભોલેનાથ રેસીડેન્સી રોડ પર 80 ફૂટ રોડ પાસે અન્ય એક મહિલા હોકર્સ ઝોન બનાવવા માટે 64.43 લાખ (જીએસટી સહિત)નો ખર્ચ કરવાનો નિર્ણય લીધો છે. આ દરખાસ્ત કાલની સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવી હતી અને તેને મંજૂર પણ કરવામાં આવી છે. આ નિર્ણયને કારણે અનેક સવાલો ઉભા થયા છે કે, જ્યારે એક પ્રોજેક્ટ નિષ્ફળ ગયો છે, ત્યારે બીજા પ્રોજેક્ટ પર આટલો મોટો ખર્ચ કેમ કરવામાં આવી રહ્યો છે. જોકે, સ્ટેન્ડિંગ ચેરમેને રાજ્ય સરકારનો નિર્ણય હોવાનો બચાવ કર્યો હતો.
નવા હોકર્સ ઝોનના ટેન્ડરમાં 9 એજન્સીએ રસ દાખવ્યો કાલાવડ રોડ પરના હોકર્સ ઝોનનો હેતુ મહિલાઓને વ્યવસાય માટે પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો, પરંતુ પૂરતી સુવિધાના અભાવે તે હાલ બંધ હાલતમાં પડ્યો છે. ત્યાં વ્યવસાય કરતી મહિલાઓ અને ખરીદી કરવા આવતા લોકો માટે કોઈ યોગ્ય સગવડ નથી. આ હોકર્સ ઝોન માટે ખાસ ડ્રો પણ કરવામાં આવ્યા હતા, જેમાં મહિલાઓને પ્લોટ ફાળવવામાં આવ્યા હતા, પરંતુ હાલ તે નિષ્ક્રિય છે. આમ છતાં, મનપાએ વોર્ડ નંબર 4માં નવા હોકર્સ ઝોન માટે ટેન્ડર બહાર પાડતા 9 એજન્સીએ રસ દાખવ્યો હતો, જેમાંથી દિનેશભાઈ લાલજીભાઈએ 16.20 ટકા ડાઉન ભાવથી ઓફર આપી હતી, જેને મંજૂર કરવામાં આવી છે.
નિર્ણય સરકારની સૂચના મુજબ લેવાયોઃ જયમીન ઠાકર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 4માં હોકર્સ ઝોન બનાવવાનો નિર્ણય ગુજરાત સરકારની સૂચના મુજબ લેવામાં આવ્યો છે. ત્રણેય ઝોનમાં હોકર્સ ઝોન બનાવવાના ટેન્ડરો થયા હતા અને ટેન્ડર મુજબ કામ કરવા માટેની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. જ્યારે કાલાવડ રોડ પરના હોકર્સ ઝોન વિશે પૂછવામાં આવતા, તેણે કહ્યું કે તેનું એલોટમેન્ટ થઈ ગયું છે. જનરલ બોર્ડમાં મીડિયાની હાજરીમાં ડ્રો કરીને બેનોને ઓનલાઈન એલોટમેન્ટ અપાયું હતું.