રાજકોટ આરપીએફ ડિવિઝનની મોટી સિદ્ધિ

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનલ સુરક્ષા કમિશનર કમલેશ્વર સિંહના માર્ગદર્શન હેઠળ રેલવે સુરક્ષા દળ (RPF) દ્વારા એપ્રિલ 2026 દરમિયાન મુસાફરોની સુરક્ષા અને સેવા માટે વિવિધ સફળ અભિયાનો હાથ ધરવામાં આવ્યા હતા. ‘સેવા હી સંકલ્પ’ના મંત્ર સાથે RPF એ ખોવાયેલો સામાન પરત અપાવવાથી લઈને ગુનેગારોને પકડવા સુધીની કામગીરીમાં મોટી સફળતા મેળવી છે.

ખોવાયેલા સામાનના 19 કિસ્સાઓમાં RPFની કાર્યવાહી પ્રાપ્ત વિગત અનુસાર ઓપરેશન અમાનત હેઠળ RPF દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. જેમાં રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં મુસાફરો દ્વારા ભૂલથી રહી ગયેલા અથવા ખોવાયેલા સામાનના કુલ 19 કિસ્સાઓમાં આરપીએફના જવાનોએ ત્વરિત કાર્યવાહી કરી હતી. આ કામગીરી દરમિયાન અંદાજે રૂ. 5,38,699 ની કિંમતની મિલકત અને સામાન શોધી કાઢવામાં આવ્યો હતો, જે તેના અસલી માલિકોને જરૂરી ખરાઈ બાદ સુરક્ષિત રીતે પરત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ઓપરેશન નન્હે ફરિશ્તે અભિયાન અંતર્ગત 1 બાળકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને તેને સુરક્ષિત રીતે તેના પરિવારજનોને સોંપીને માનવીય અભિગમનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

આ ઉપરાંત રેલવે મિલકતની અને મુસાફરોની સુરક્ષા માટેના અન્ય અભિયાનોમાં પણ મોટી સફળતા મળી છે. ઓપરેશન યાત્રી સુરક્ષા અંતર્ગત મુસાફરોના સામાનની ચોરીના 3 કિસ્સાઓમાં કાર્યવાહી કરીને 5 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે રેલવે પોલીસ (GRP) ને સોંપવામાં આવ્યા હતા. ટિકિટના કાળાબજાર રોકવા માટેના ઓપરેશન ઉપલબ્ધ હેઠળ 1 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. રેલવેની જાહેર મિલકતને નુકસાન પહોંચાડતા તત્વો સામે ઓપરેશન રેલ સુરક્ષા હેઠળ કાર્યવાહી કરી 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *