રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટરર્સમાં કામ અપાવવાના બહાને 12 વર્ષની સગીરાને લાલચ આપીને દેહવ્યાપારના દૂષણમાં ધકેલવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પાડોશમાં રહેતી મહિલા તેની બહેનપણી સાથે મળીને સગીરાને ચાર દિવસ સુધી એક મકાનમાં રાખીને તેની પાસે જબરદસ્તીથી દેહવ્યાપાર કરાવતી હતી, જેમાં ગ્રાહક દીઠ સગીરાને રૂ.500 આપવામાં આવતા હતા.
બાળકી સાથે કંઈક ખોટું થઈ રહ્યું હોવાની શંકા જતાં અન્ય એક પાડોશી મહિલાએ તેની માતાને જાણ કરી હતી. પરિવારે પૂછપરછ કરતા રડતાં-રડતાં દીકરીએ પોતાની આપવીતી જણાવી હતી. આ અંગે જાણ થતાં જ આજીડેમ પોલીસે કાર્યવાહી કરીને પોક્સો અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને બંને આરોપી મહિલાઓની ધરપકડ કરી છે.
સતત ચાર દિવસ સુધી બળજબરીથી શારીરિક સંબંધ બંધાવ્યા
11 સપ્ટેમ્બરે સવારના 11 વાગ્યે પાડોશી મહિલા સગીરાને કેટરીંગના કામની લાલચ આપી ગોંડલ ચોકડી અને ત્યાંથી રિક્ષામાં આજીડેમ ચોકડી લઈ ગઈ હતી, જ્યાંથી એક યુવક પોતાના એક્ટિવા પર બંનેને માંડા ડુંગર વિસ્તારના એક મકાનમાં લઈ ગયો હતો. આ મકાનમાં સતત ચાર દિવસ સુધી પાડોશી મહિલા અને તેની બહેનપણી અલગ-અલગ પુરુષોને બોલાવીને સગીરા સાથે બળજબરીથી શારીરિક સંબંધ બંધાવતી હતી, જેના બદલામાં તેઓ તે લોકો પાસેથી નાણાં વસૂલીને સગીરાને માત્ર રૂ. 500 આપતી હતી.