રાજકોટ પોલીસે ત્રણ દિવસમાં બીજા સ્પામાંથી કુંટણખાનું ઝડપી પાડ્યું છે. શુક્રવારે સનસાઈન વેલનેસ સ્પા બાદ આજે રવિવારે મુન લાઇફ ફેમેલી વેલનેસ સ્પામાં દેહ વ્યાપારની પ્રવૃતિ ચાલતી હોવાનું સામે આવ્યું છે. મવડી રોડ પરના આ સ્પામાં રૂ.1 હજાર એન્ટ્રી ફી સાથે શરીર સંબંધના રૂ.2,500 અલગથી લેવામાં આવતા હતા. જોકે પોલીસે બાતમીના આધારે રેડ પાડી 4 યુવતીને મુક્ત કરાવી સ્પા સંચાલક 2 સગ્ગા ભાઈ અને એક મહિલાની ધરપકડ કરવામાં આવી હતી.
રાજકોટના મવડી ચોક પાસે રીધ્ધી સિધ્ધી કોમ્પલેક્ષમાં મુન લાઇફ ફેમેલી વેલનેસ સ્પાની અંદર સંચાલક દ્વારા યુવતીઓ રાખી અને મસાજના નામે બહારથી ગ્રાહકો બોલાવી દેહ વ્યાપારનો ધંધો કરાવવામાં આવતો હોવાની બાતમીના આધારે એન્ટી હ્યુમન ટ્રાફીકિંગ યુનિટની ટીમ દ્વારા ત્યાં ડમી ગ્રાહક મોકલવામાં આવ્યો હતો. સ્પામાં રેડ કરતા સ્પાની આડમાં દેહ વ્યાપારની પ્રવૃત્તિ ચાલતી હોવાનું સામે આવ્યું હતું. અહીં ગ્રાહક પાસેથી સ્પામાં એન્ટ્રી ફી તરીકે રૂ.1 હજાર રોકડા લઇ સ્પામાં આવતા ગ્રાહકો સાથે શરીર સંબંધ બાંધી ગ્રાહક દીઠ રૂ.2,500 અલગથી એકસ્ટ્રા સર્વિસના નામે લેતા હતા. પોલીસે સ્પામાંથી એક મોબાઈલ સહીત રૂ.9000નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે સંત કબીર રોડ ઉપર રહેતા 2 સગ્ગા ભાઈ 22 વર્ષીય હર્ષ અને વોન્ટેડ 21 વર્ષીય ધ્રુવ જયેન્દ્રભાઇ રાજદેવની ધરપકડ કરી છે અને મહિલા અલકાબેનને ઝડપી પાડવામાં આવી છે. બંને ભાઈઓ સંતકબીર રોડ પર રહે છે. પોલીસે આરોપી વિરુદ્ધ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ધી ઈમોરલ ટ્રાફિકીંગ પ્રિવેન્સ એક્ટ ની કલમ 3,4,5 મુજબનો ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.