રાજકોટમાં 108 સેવાની પ્રશંસનીય કામગીરી

રાજકોટ શહેર અને જિલ્લામાં 108 ઇમરજન્સી સેવાની કામગીરી અત્યંત પ્રશંસનીય રહી છે. છેલ્લા 30 દિવસના ટૂંકા ગાળામાં ઇમરજન્સી સેવાને કુલ 7067 જેટલા કોલ્સ મળ્યા હતા. આ કુલ કોલ્સમાં વિવિધ પ્રકારની તબીબી કટોકટીઓનો સમાવેશ થાય છે, જેમાં ખાસ કરીને સગર્ભાવસ્થા સંબંધિત 1389 કોલ્સ આવ્યા હતા અને માર્ગ અકસ્માતના ગંભીર ગણાતા 931 જેટલા કિસ્સાઓમાં ત્વરિત પ્રતિસાદ આપવામાં આવ્યો હતો. માર્ચ મહિનામાં ‘ગોલ્ડન અવર’ દરમિયાન હૃદયની તકલીફવાળા 506 અને શ્વાસની ગંભીર બીમારી ધરાવતા 596 દર્દીઓને સમયસર સારવાર આપી નવજીવન બક્ષવામાં આવ્યું છે. 108નાં સુપરવાઇઝર જયેશભાઈએ વિગતો આપતા જણાવ્યું કે, ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં મોટા દવાખાનાઓ દૂર હોય છે ત્યાં 108 ના તબીબોએ અદભૂત કામગીરી કરી છે. જેમાં ક્રિટિકલ ગણાતી 83 જેટલી પ્રસૂતિઓ એમ્બ્યુલન્સમાં અથવા ગ્રામ્ય સ્થળે નિષ્ણાત તબીબો દ્વારા સફળતા પૂર્વક કરાવવામાં આવી છે, જેનાથી માતા અને નવજાત શિશુ બંનેના જીવ જોખમમાંથી બચી શક્યા છે. કોઈપણ ભેદભાવ વગર 24 કલાક મફત સેવા પૂરી પાડતી 108 ની ટીમે રાજકોટ જિલ્લામાં માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

લોકશાહીના પર્વમાં રાજકોટના સ્વાતંત્ર્ય સેનાનીના પરિવારે કરી મતદાનની અપીલ

રાજકોટના સ્વાતંત્ર્ય સેનાની સ્વ. મનુભાઈ વિઠલાણીનો પરિવાર દેશના લોકશાહી તંત્રને મજબૂત બનાવવા માટે અનોખું મતદાન જાગૃતિ અભિયાન ચલાવી રહ્યો છે. આઝાદીની લડતમાં પિતાના યોગદાનને વારસામાં જાળવી રાખીને તેમના પુત્ર અશ્વિનભાઈ વિઠલાણી અને કિરણબેન વિઠલાણી પ્રત્યેક ચૂંટણીમાં નાગરિકોને મતાધિકારનો અચૂક ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરે છે. આ પરિવાર વર્ષોથી પોતાના પિતાના ફોટા સાથેના ખાસ બેનરો પ્રદર્શિત કરીને લોકોને મતદાનનું મૂલ્ય સમજાવે છે. અશ્વિનભાઈ પોતાના વ્યવસાયના સ્થળે આવતા ગેસના ગ્રાહકોને પણ રૂબરૂ મળીને 100 ટકા મતદાન કરવા માટે સંદેશો પાઠવે છે. આગામી 26મી એપ્રિલના સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓનું મતદાન યોજાવાનું છે, ત્યારે વિઠલાણી પરિવારે દરેક નાગરિક પોતાની નૈતિક ફરજ સમજીને મતદાન કરે તેવી અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *