રાજકોટ ડિવિઝનથી ચાલતી ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ ડાયવર્ટ, બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને પગલે ઇન્ટરસિટી ટ્રેનો રદ

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી મહત્વની ટ્રેનોના શિડ્યુલમાં માળખાગત સુવિધાઓના વિકાસ અને ટેકનિકલ કામગીરીને પગલે ફેરફાર કરવામાં આવ્યા છે. 23 અને 24 એપ્રિલ દરમિયાન બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને નોન-ઇન્ટરલોકિંગ બ્લોકને કારણે જામનગર-વડોદરા ઇન્ટરસિટી ટ્રેન રદ રહેશે, જ્યારે ઓખા-ગુવાહાટી એક્સપ્રેસના રૂટમાં પરિવર્તન કરવામાં આવ્યું છે.

ઓખા-ગુવાહાટી એક્સપ્રેસના રૂટમાં ફેરફાર પૂર્વ મધ્ય રેલવેના દાનાપુર ડિવિઝનમાં નેઉરા-જટ ડુમરી સેક્શનમાં ચાલતી ટેકનિકલ કામગીરીના કારણે આ નિર્ણય લેવાયો છે. ટ્રેન નંબર 15635 ઓખા-ગુવાહાટી સાપ્તાહિક એક્સપ્રેસ 24 એપ્રિલ, 2026ના રોજ ઓખાથી રવાના થતી આ ટ્રેન ડાયવર્ટ કરાયેલા માર્ગ પરથી દોડશે. આ ટ્રેન હવે પંડિત દીન દયાળ ઉપાધ્યાય જંક્શન–ગયા–જહાનાબાદ–પટના થઈને પસાર થશે. આ ટ્રેન તેના નિર્ધારિત સ્ટોપેજ બક્સર સ્ટેશન પર જશે નહીં.

રાજકોટ ડિવિઝનના સત્તાવાળાઓએ મુસાફરોને મુસાફરી શરૂ કરતા પૂર્વે રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in અથવા NTES એપ પર નવીનતમ સમયપત્રક ચકાસી લેવા વિનંતી કરી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા માટે આ કામગીરી અનિવાર્ય હોવાથી રેલવે પ્રશાસને જનતાના સહકારની અપેક્ષા વ્યક્ત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *