રાજકોટ ખાતે યોજાયેલી ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનની મહત્વપૂર્ણ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અને સરકારને કરાયેલી રજૂઆતો સીધી રીતે વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં મોટો બદલાવ લાવનારી સાબિત થશે. હાલ સ્પર્ધાત્મક પરીક્ષાઓના નામે નાના બાળકો ઉપર સતત વધતા માનસિક તણાવ, ડમી શાળાઓના કારણે ખોરવાતી શિક્ષણ વ્યવસ્થા, ટ્યુશન ક્લાસીસની અસમતોલ ફી મર્યાદા જેવા મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરીને પ્રજાલક્ષી મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે. આ બેઠક બાદ જાહેર કરાયેલી બાબતોથી રાજ્યના લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને મોટો સીધો ફાયદો થવાની આશા જાગી છે.
ખાનગી ઇન્સ્ટિટ્યુટના ક્લાસીસ ચલાવવાની પ્રવૃત્તિ બંધ કરવાની માંગણી
સૌથી મોટો ફાયદો ગુજરાતને ડમી શાળાઓનાં મોટા દૂષણમાંથી મુક્તિ સ્વરૂપે મળશે. શાળાઓ સાથે ટાઈ-અપ કરીને અંદર જ ખાનગી ઇન્સ્ટિટ્યુટના ક્લાસીસ ચલાવવાની પ્રવૃત્તિ બંધ કરવાની માંગણીથી વિદ્યાર્થીઓને નિયમિત શાળાકીય માહોલ મળશે. આ ઉપરાંત 16 વર્ષથી નાની વયના બાળકો માટે JEE અને NEET જેવી કઠિન સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોચિંગ પર મર્યાદા મૂકવાની રજૂઆતથી નાના બાળકો પરથી નાનપણથી જ અતિશય અભ્યાસનું બોજારૂપ દબાણ દૂર થશે.
દરરોજ માત્ર 3થી 4 કલાક કોચિંગ આપવાનો નિયમ અમલી બનશે તો વિદ્યાર્થીઓને માનસિક રીતે થાક લાગશે નહીં અને તેઓ રમતગમત તેમજ અન્ય પ્રવૃત્તિઓ માટે પણ સમય ફાળવી શકશે, જેથી તેમનો સર્વાંગી વિકાસ શક્ય બનશે.
વાલીઓએ અતિશય ફીમાંથી મુક્તિ મળશે
વાલીઓ માટે પણ આ સમન્વય બેઠકના સૂચનો આર્થિક અને સામાજિક રીતે ખૂબ રાહતરૂપ બની રહેશે. સરકાર દ્વારા લાવવામાં આવનાર ટ્યુશન એક્ટ હેઠળ તમામ નાના-મોટા ક્લાસીસનું વ્યાજબી ફી સાથે રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવાની માંગથી ખાનગી કોચિંગ સેન્ટરોની મનસ્વી ફી ઉઘરાવવાની પ્રવૃત્તિ પર લગામ લાગશે. વાલીઓએ બાળકોના ભવિષ્ય માટે આપવી પડતી અતિશય ફીમાંથી મુક્તિ મળશે અને પારદર્શક વ્યવસ્થા ઊભી થશે.