રાજકોટમાં કોંગ્રેસની આગેવાનીમાં ખેડૂતોના ધરણા

સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરવા છતાં મગફળીની ખરીદીમાં અપનાવવામાં આવેલી મર્યાદિત નીતિના કારણે ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. આજરોજ કોંગ્રેસની આગેવાનીમાં ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. અને ત્રણ કલાકના પ્રતીક ધરણા કરી પોતાનો રોષ વ્યકત કર્યો હતો. ખેડૂતોની મુખ્ય માંગણી એ છે કે, સરકારે ટેકાના ભાવે પ્રતિ ખેડૂત ખરીદીની મર્યાદા વધારી 200 મણ કરવી જોઈએ. અને દિવાળીના તહેવારો પૂર્વે જ ખરીદી શરૂ કરીને ખેડૂતોને તેમના નાણાં પણ ચૂકવવા જોઈએ.

બજારભાવ અને ટેકાના ભાવ વચ્ચે મોટો તફાવત હોય ખેડૂતોની હાલત કફોડી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે મગફળી માટે ટેકાના ભાવ રૂ. 1456 પ્રતિ મણ જાહેર કરવામાં આવ્યા છે. જોકે, સરકારી ખરીદીની ધીમી અને મર્યાદિત પ્રક્રિયાના કારણે ખેડૂતોને ખુલ્લા બજારમાં મગફળી વેચવા માટે મજબૂર થવું પડી રહ્યું છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, હાલમાં બજારમાં તેમની મગફળી માત્ર રૂ. 800 થી રૂ. 1000 પ્રતિ મણના ભાવે વેચાઈ રહી છે. આ ભાવો જાહેર કરાયેલા ટેકાના ભાવ કરતાં લગભગ રૂ. 456 થી રૂ. 656 ઓછા છે, જેના કારણે ખેડૂતોને પ્રતિ મણે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જેને લઈને ખેડૂતોએ સરકાર પાસે ટેકાના ભાવે ખરીદી ઝડપી અને પૂરતા જથ્થામાં શરૂ કરવાની માંગ કરી છે.

ખરીદીની મર્યાદા સામે ઉગ્ર વિરોધ ખેડૂતોના વિરોધનું તાત્કાલિક કારણ એ વાત પરથી શરૂ થયું કે સરકારે એક ખેડૂત પાસેથી માત્ર 68 મણ મગફળી ખરીદવાની મર્યાદા રાખી છે. મોટાભાગના ખેડૂતોના મગફળીના ઉત્પાદનની સામે આ જથ્થો ઘણો ઓછો છે. ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે, ખેતીના ખર્ચને પહોંચી વળવા માટે આ મર્યાદા તદ્દન અપૂરતી છે. મોંઘા બિયારણ, ખાતર, અને સિંચાઈના ખર્ચ પછી જો તેમને પોષણક્ષમ ભાવો ન મળે તો ખેતી કરવી અસહ્ય બની જાય છે. ત્યારે પ્રતિ ખેડૂત મગફળીની ખરીદીની મર્યાદા વધારીને 200 મણ કરવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *