રાજકોટમાં કરોડોનું ફુલેકું ફેરવનાર પાંભર દંપતી સુરતમાં ઝડપાયું, ખોટું સોગંદનામું કરી ખેલ કરી ગયું

સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનમાં પાસપોર્ટ એક્ટ અને છેતરપિંડીની ગંભીર કલમો હેઠળ એક ચોંકાવનારો ગુનો નોંધાયો છે. રાજકોટમાં કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનાર ધનંજય ફાયનાન્સના માલિક ઘનશ્યામ વલ્લભભાઈ પાંભર અને તેમની પત્ની અસ્મિતાબેન પાંભરની સુરત પોલીસે ધરપકડ કરી છે. આ દંપતીએ વિદેશ જવા માટે કાયદાકીય છટકબારીનો ગેરઉપયોગ કર્યો હતો.

રાજકોટના કેસમાં હાઈકોર્ટે તેમને શરતી જામીન આપ્યા હતા, જેમાં પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવો ફરજિયાત હતો. જોકે, વિદેશ જવાની લાલચમાં આ દંપતીએ સુરતમાં પાસપોર્ટ ખોવાઈ ગયાનું ખોટું સોગંદનામું કરી નવો પાસપોર્ટ કઢાવ્યો અને કાયદાની આંખમાં ધૂળ નાખીને દુબઈનો પ્રવાસ પણ ખેડી આવ્યા હતા.

કોર્ટની શરતોનો ભંગ અને વિદેશ જવાની લાલસા આ ગુનાના મૂળ વર્ષ 2021માં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા IPC અને GPID એક્ટ (ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ એક્ટ) હેઠળના કેસમાં રહેલા છે. ઘનશ્યામ પાંભર અને તેની પત્નીએ રોકાણકારોના કરોડો રૂપિયા હડપ કરી લીધા હતા. આ કેસમાં જ્યારે તેઓ હાઈકોર્ટમાં જામીન માટે ગયા, ત્યારે કોર્ટે સ્પષ્ટ શરત મૂકી હતી કે, તેઓ ટ્રાયલ કોર્ટની મંજૂરી વગર ભારત છોડશે નહીં અને પોતાના પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવશે. કાયદા મુજબ પાસપોર્ટ જમા હોવાથી તેઓ વિદેશ જઈ શકે તેમ નહોતા, પરંતુ પોતાની ગુનાહિત માનસિકતાનો પરિચય આપતા તેમણે સિસ્ટમ સાથે છેતરપિંડી કરવાનું નક્કી કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *