રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત વોર્ડ નં. 13 સ્થિત નારાયણનગર શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ભારત સરકાર દ્વારા નિયત ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓના ધોરણો પૂર્ણ કરવા બદલ 90.08 ટકા ગુણ સાથે રાષ્ટ્રીય કક્ષાનું NQAS (National Quality Assurance Standards) પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે.
આ સિદ્ધિ બદલ કેન્દ્ર ખાતે ભારત સરકાર દ્વારા નિયુક્ત રાષ્ટ્રીય કક્ષાની ટીમ દ્વારા 20 અને 21 જાન્યુઆરી, 2026 દરમિયાન બે દિવસીય મૂલ્યાંકન હાથ ધરવામાં આવ્યું હતું. સમીક્ષકો ડૉ. ગુરપ્રિત સિંહ (પંજાબ) અને દિપક ડોંગરે (મહારાષ્ટ્ર) દ્વારા સગર્ભા મહિલાઓની માતૃત્વ સેવાઓ, બાળકો માટેની આરોગ્ય સેવાઓ, ચેપી તથા બિનચેપી રોગોના નિદાન-સારવાર, ઈમરજન્સી સેવાઓ અને શાળા આરોગ્ય તપાસણી સહિતની વિવિધ સેવાઓની ગુણવત્તા ચકાસવામાં આવી હતી.
આરોગ્ય સેવાઓની શ્રેષ્ઠતા, કાર્યક્ષમતા રાષ્ટ્રીય સ્તરે સન્માન દર્શાવે છે મેડિકલ ઓફિસર ડૉ. પ્રતિક મહેતા તથા તેમની ટીમના ફાર્માસિસ્ટ, લેબોરેટરી ટેકનિશિયન, FHW, GNM, MPHW, RBSK ટીમ અને AYUSH મેડિકલ ઓફિસર સહિતના તમામ આરોગ્યકર્મીઓના અથાગ પરિશ્રમ, દસ્તાવેજીકરણ અને ટીમવર્કને કારણે આ મહત્વપૂર્ણ સફળતા મળી છે. આ સિદ્ધિ રાજકોટ શહેરમાં નાગરિકોને આપવામાં આવતી આરોગ્ય સેવાઓની શ્રેષ્ઠતા, કાર્યક્ષમતા અને દર્દીલક્ષી અભિગમનું રાષ્ટ્રીય સ્તરે સન્માન દર્શાવે છે. આગામી સમયમાં પણ મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય ક્ષેત્રે આવી જ શ્રેષ્ઠ ગુણવત્તા જાળવી રાખવા સતત પ્રયાસો ચાલુ રાખવામાં આવશે.