રાજકોટ શહેરમાં ભીષણ ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે ત્યારે શહેરની શાન ગણાતા જાહેર બગીચાઓ અને સર્કલના ફુવારાઓની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. રાજકોટના વોર્ડ નં. 14માં આવેલા વાણીયાવાડીના રવિશંકર મહારાજ જાહેર ઉદ્યાનના ફુવારા છેલ્લા 6 મહિનાથી બંધ હાલતમાં હોવાથી આ સ્થળ ખંઢેર જેવું ભાસી રહ્યું છે. આ મામલે લોક સંસદ વિચાર મંચ દ્વારા મ્યુ. કમિશનર તુષાર સુમેરા અને વોર્ડના નવનિયુક્ત કોર્પોરેટરોને ઉગ્ર લેખિત રજૂઆત કરવામાં આવી છે.
સ્થાનિક સ્તરે જાળવણીના નામે શૂન્ય કામગીરી જોવા મળી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, રાજકોટને સ્માર્ટ સિટી અને શિકાગો જેવા આધુનિક શહેર બનાવવાની વાતો કરતા તંત્રના નાકની નીચે જ શહેરના ફુવારાઓ દમ તોડી રહ્યા છે. અધિકારીઓ અને પદાધિકારીઓ બગીચા અને ફુવારાના અભ્યાસાર્થે વિદેશોમાં હવાઈ મુસાફરી કરી આવ્યા હોવા છતાં સ્થાનિક સ્તરે જાળવણીના નામે શૂન્ય કામગીરી જોવા મળી રહી છે. આ ફુવારા છેલ્લા 6 મહિનાથી બંધ હાલતમાં હોવાથી આ સ્થળ ખંઢેર જેવું લાગી રહ્યું છે.
ફુવારામાં પાણી જ નહોતું, માત્ર લાઈટો ચાલુ હતી ભક્તિનગર સર્કલના ફુવારાની સ્થિતિ પણ વધુ સારી નથી. અગાઉ લોક આંદોલનો બાદ અહીં ફુવારા શરૂ કરવામાં આવ્યા હતા પરંતુ, હવે તેમાં તંત્રની ઉદાસીનતા જોવા મળી રહી છે. ફુવારા ચલાવવા માટે ઠાગાઠૈયા કરવામાં આવે છે અને મન ફાવે ત્યારે તેને ચાલુ-બંધ કરવામાં આવે છે. મેઇન્ટેનન્સના અભાવે ફુવારાની નળીઓ બ્લોક થઈ ગઈ છે. ગત રાત્રે તો એવી સ્થિતિ જોવા મળી હતી કે ફુવારામાં પાણી જ નહોતું, માત્ર લાઈટો ચાલુ હતી, જેના કારણે તે હાડપિંજર સમાન લાગતા હતા. ત્યારે આ મામલે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.
સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો હાલમાં સમગ્ર ગુજરાતમાં રાજકોટ સૌથી ગરમ શહેર તરીકે નોંધાયું છે. અગનભઠ્ઠીમાં ફેરવાયેલા આ શહેરમાં જનતા દિવસના સમયે બહાર નીકળી શકતી નથી. જ્યારે રાત્રિના સમયે પરિવારો સાથે લોકો હરવા-ફરવા નીકળે છે ત્યારે આ બંધ ફુવારાઓ તેમને નિરાશ કરી રહ્યા છે. આ અંગે મનપાના કોલ સેન્ટરમાં ફરિયાદ નંબર 26162886 અને 26162889થી ફરિયાદો નોંધાવવામાં આવી છે. જોકે, અગાઉની ફરિયાદોનું કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.