રાજકોટમાં અકસ્માતની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત એવા કોટેચા ચોક વિસ્તારમાં એક કાર ચાલકે અચાનક પોતાના વાહનના સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. કાબુ ગુમાવતાની સાથે જ સ્વિફ્ટ કાર રોડ પર પલટી ખાઈ ગઈ હતી. ઘટનાને પગલે આસપાસથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકોના ટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. મુખ્ય માર્ગ પર કાર પલટી જવાથી થોડા સમય માટે ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા હતા અને વાહનવ્યવહાર ખોરવાયો હતો. આ અકસ્માતમાં 1 વ્યક્તિને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે આ ગમખ્વાર અકસ્માતમાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી.
બીજી તરફ અકસ્માતના આ બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ટ્રાફિકને પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસે પલટી ગયેલી કારને રસ્તા પરથી હટાવીને માર્ગ ખુલ્લો કરાવ્યો હતો. હાલમાં પોલીસે આ સમગ્ર ઘટના અંગે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. કાર પલટી જવાનું મુખ્ય કારણ શું હતું તે જાણવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ઉપરાંત, અકસ્માત સર્જનાર કારનો ચાલક નશામાં હતો કે કેમ તે અંગે પણ મેડિકલ તપાસ સહિતના મુદ્દે પોલીસે સઘન પૂછપરછ અને કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે જેમાં 18 વર્ષના યુવાને ભયાસર ગામે પોતાના ઘરેથી લોઠડા ગામ કામે જવાનું કહી નીકળ્યો હતો બાદમાં ઝેરી દવા પી લીધી હતી અને પછી પરત ઘરે આવી સુઈ ગયો હતો જો કે સવારે ઉલ્ટી કરવા લાગતા પ્રથમ ગોંડલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર કારગત નીવડે એ પહેલા તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ આજીડેમ પોલીસને કરવામાં આવતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થ ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન એક ભાઈ અને એક બહેનમાં મોટો હોવાનું સામે આવ્યું છે જો કે આપઘાત ક્યાં કારણે કર્યો તે અંગે પરિવારજનો પણ અજાણ હોવાથી પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.