મોટાદડવા ગામમાં વતન પ્રેમ અને પર્યાવરણ જતનનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. સમગ્ર ગામમાં ચોતરફ લીલોતરી છવાઈ જાય તેવા ભગીરથ હેતુ સાથે મોટા પાયે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
ગામના તમામ જાહેર રસ્તાઓ, સ્કૂલ, હોસ્પિટલ ઉપરાંત જસાપર રોડ, હોડથલી રોડ, જીથરી ખોડલધામ મંદિર પરિસર, કાનપર રોડ, ઈશ્વરિયા રોડ, સોનારીયા તથા ઉમરાળી રોડ સુધીના તમામ વિસ્તારોમાં વ્યાપક સ્તરે વૃક્ષારોપણ શરૂ કરી દેવાયું છે.
આ પુણ્ય કાર્યમાં આખું ગામ ‘તન, મન અને ધન’થી નિસ્વાર્થ ભાવે જોડાયું છે. કોઈ ગ્રામજન ટ્રેક્ટરની સેવા આપી રહ્યું છે તો કોઈ પાણી અને ટ્રી-ગાર્ડની વ્યવસ્થા કરીને પોતાની સેવાભાવના દર્શાવી રહ્યું છે.
ગામને હરિયાળું બનાવવા અને વતન પ્રેમનો ઉત્તમ નમૂનો પૂરો પાડવા માટે નાગરિકો ઉત્સાહભેર લીમડો, કરંજ, વડલો, પીપળો જેવા ઔષધીય અને છાયાડો આપતા વૃક્ષોનું વાવેતર કરી રહ્યા છે.
આગામી તા. 18ના રોજ ખુશી જીન, જસાપર રોડ ખાતે યોજાનારા વન મહોત્સવ પહેલાં જ મોટાદડવાના ગામજનોએ સ્વહસ્તે, તંત્રની રાહ જોયા વિના હરિયાળી સર્જવાનું બીડું ઝડપી લીધું છે.
વન વિભાગ 1000 ફળાઉ રોપા નિશુલ્ક આપશે ગોંડલ વન વિભાગના ઉપક્રમે આ વન મહોત્સવ પ્રસંગે મોટાદડવા ગામના રહેવાસીઓને ૧૦૦૦ ફળ આપતા વૃક્ષોના રોપા વિનામૂલ્યે વિતરિત કરવામાં આવશે. જેનાથી ગામમાં ફળ, ફૂલ અને શોભા આપતા વૃક્ષોનો ઉછેર થશે.