યમનના હુતી બળવાખોરોએ મંગળવારે સાઉદી અરબ પર ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા. ત્યારબાદ સાઉદી અરબે મક્કામાં પહેલીવાર ઇમરજન્સી એલર્ટ જાહેર કર્યું. સાઉદી સિવિલ ડિફેન્સ અનુસાર, નેશનલ અર્લી વોર્નિંગ પ્લેટફોર્મે એલર્ટ જાહેર કર્યું હતું. લોકોને ઊંચી ઇમારતોથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી હતી.
થોડા સમય પછી સિવિલ ડિફેન્સે જણાવ્યું કે ખતરો ટળી ગયો છે. જોકે, લોકોને ભીડથી દૂર રહેવા અને કોઈ ઘટનાનો વીડિયો કે ફોટો ન બનાવવા અપીલ કરવામાં આવી હતી. મંગળવારે સવારે જેદ્દા અને તાઈફમાં પણ આવા જ ઇમરજન્સી એલર્ટ જાહેર કરવામાં આવ્યા હતા. તેમને પણ થોડા સમય પછી પાછા ખેંચી લેવામાં આવ્યા હતા.
મક્કા, જેદ્દા અને તાઈફમાં જાહે કરાયેલા એલર્ટમાં લોકોને ભીડવાળા અને ખુલ્લા વિસ્તારોમાં જવાનું ટાળવા જણાવાયું છે. લોકોને શાંત રહેવા અને કોઈપણ ખતરાની સ્થિતિમાં તરત જ સુરક્ષિત સ્થળે જવાની અપીલ કરવામાં આવી છે.
લોકોને ઘરની અંદર રહેવા અને બારીઓ, બાલ્કની, છત, કાચ અને ખુલ્લી જગ્યાઓથી દૂર રહેવા જણાવાયું છે. જો કોઈ વ્યક્તિ ઘરની બહાર હોય, તો તેને તરત જ નજીકની કોઈ ઇમારતમાં જવા અથવા કોઈ મજબૂત વસ્તુની આડમાં છુપાઈ જવા અને ખતરો ટળી ન જાય ત્યાં સુધી ત્યાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે.