મંત્રી મંડળના વિસ્તરણમાં અલ્પેશ ઠાકોરને સ્થાન આપો

ગુજરાતમાં પ્રદેશ ભાજપ પ્રમુખની વરણી થયા બાદ હવે મંત્રીમંડળના વિસ્તરણની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે ચુવાળીયા કોળી ઠાકોર સમાજના આગેવાન દ્વારા અલ્પેશ ઠાકોરને મંત્રી બનાવવાની માગ કરવામાં આવી છે. ચુવાળીયા કોળી ઠાકોર સમાજના આગેવાનોએ આગામી રણનીતિ નક્કી કરવા આજે રાજકોટમાં બેઠક મળી હતી. જેમાં ચુવાળીયા કોળી સમાજના આગેવાન દ્વારા સમાજને વસતી મુજબ ભાગીદારી આપવાની માગ કરી હતી.

છેલ્લા 40 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા હોવા છતાં સૌરાષ્ટ્રમાં એક પણ વિધાનસભાની ટિકિટ ન મળવાથી અને મંત્રીમંડળમાં યોગ્ય સ્થાન ન મળવાથી સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ બેઠકમાં આગામી સમયમાં સૌપ્રથમ સૌરાષ્ટ્ર લેવલે ચિંતન બેઠકો યોજવાનો અને ત્યારબાદ દોઢ લાખ લોકોનું મહાસંમેલન યોજવાનો નિર્ણય લેવાયો છે.

કોળી સમાજના આગેવાન રણછોડ ઉધરેજાએ જણાવ્યું કે, ‘હવે અમારું પાણી નાકથી ઉપર ચઢી ગયું છે’ સાથે સમાજને વધુ પ્રભુત્વ આપનારા પક્ષમાં પક્ષપલટો કરવાની તૈયારી પણ દર્શાવી છે. આ બેઠક કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી સાથે બે દિવસ અગાઉ યોજાયેલી મુલાકાત બાદ મળી છે, જે વર્ષોથી ભાજપ સાથે જોડાયેલો ચુવાળીયા કોળી સમાજ કોંગ્રેસ સાથે હાથ મિલાવે તેવી શક્યતા દર્શાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *