મંડળી ગરબામાં બબાલ, બાઉન્સર ધોકા-તલવાર લઈને યુવકો પાછળ દોડ્યા

અમદાવાદ નજીક સાંતેજ પાસેના ખાત્રજ-કલોલ રોડ પર આવેલા જાણીતા ‘મંડળી’ ગરબા મહોત્સવમાં સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક અસામાજિક તત્વો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હોવાની ગંભીર ઘટના સામે આવી છે. ગરબા ગ્રાઉન્ડ બહાર લાકડીઓ અને ખુલ્લી તલવારો સાથે મારામારી થતાં સમગ્ર પરિસરમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આ હિંસક જૂથ અથડામણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ખેલૈયાઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

જોકે, ઘટનાની જાણ થતા જ સાંતેજ પોલીસ અને ગાંધીનગર જિલ્લા એલસીબી સહિતની ટીમો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. હાલ મામલો શાંત પાડી દેવામાં આવ્યો છે. સેપ્ટ મંડળીના જણાવ્યા મુજબ કેટલાક લોકો ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. જગ્યા પર હાલમાં સંપૂર્ણપણે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

ગેરકાયદે પ્રવેશ મુદ્દે બબાલ અને તલવારો ખેંચાઈ
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કેટલાક સ્થાનિક શખ્સો પાસ વિના ગેરકાયદેસર રીતે ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સિક્યુરિટી સ્ટાફે તેમને રોકતાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે જોતજોતામાં હિંસક મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. મામલો એટલી હદે બિચક્યો હતો કે સિક્યુરિટી ગાર્ડ્સ લાકડીઓ અને ખુલ્લી તલવારો લઈને રસ્તા પર આવી ગયા હતા અને સામસામે હુમલા શરૂ કરી દીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *