ભાજપ કોર્પોરેટરના નંબર પ્લેટ વિનાની મોપેડમાં MLAની સવારી

રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં તે પ્રકારની ઝુંબેશ શરૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે, ત્યારે આ નિયમ માત્ર સામાન્ય લોકો માટે જ હોય તે પ્રકારની ઘટના સામે આવી છે. ભાજપના મહિલા કોર્પોરેટરના નંબર પ્લેટ વિનાના ટુ વ્હીલરમાં બેસી પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહ જતા હોય તેવો વીડિયો વાઇરલ થતા આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે. શહેરના વોર્ડ નંબર 1 માં ગુરુ રવિદાસ મહારાજની જયંતિ પ્રસંગે કળશ યાત્રા દરમિયાન નીકળેલી બાઇક રેલી દરમિયાનનો આ વીડિયો હોવાનું સામે આવ્યું છે.

કળશયાત્રામાં બાઇક રેલી નિકળી રાજકોટ શહેરના વોર્ડ નંબર 1 માં 20 ઓગસ્ટના સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજની 650મી જયંતિના પાવન અવસર પર કળશયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન બાઇક રેલી નીકળી હતી. ભારતમાં હવે ભગવો લહેરાય તે ગીત સાથે નિકળેલી આ બાઇક રેલીમાં વોર્ડ નંબર 1 ના ભાજપના કોર્પોરેટર સેજલબેન ચૌધરી નંબર પ્લેટ વિનાનું ટુ વ્હીલર લઈને પહોંચ્યા હતા અને તેમની પાછળ ભાજપના પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહ બેસીને જતા હોય તેવો વીડિયો સામે આવ્યો.

વાહનમાં પાછળ નંબર પ્લેટ નથી તે મેં જોયું નહોતું: ડૉ.દર્શિતાબેન શાહ જે બાબતે ડૉ.દર્શિતાબેન શાહે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 1 માં ગુરુ રવિદાસ મહારાજની જયંતિ પ્રસંગે હું પગપાળા જતી હતી, ત્યારે ત્યાંથી નીકળેલા ભાજપના કાર્યકરે મને કહ્યું કે બેસી જાઓ. જેથી હું તેમની પાછળ બેસી ગઈ હતી પરંતુ તે વાહનમાં પાછળ નંબર પ્લેટ નથી તે મેં જોયું નહોતું. જોકે તે વાહનમાં આગળના ભાગે નંબર પ્લેટ લગાવેલી હતી. આ બાબત તે કાર્યકર્તાના ધ્યાને આવતા તેમને તુરંત જ વાહનમાં નંબર પ્લેટ લગાવી દીધી છે. હું વ્યક્તિગત રીતે એવું માનું છું કે ટ્રાફિકના નિયમોનું લોકોએ પાલન કરવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *