બ્રાઝીલના રિયો ડી જેનેરિયોમાં રવિવારે સવારે બે હેલિકોપ્ટર હવામાં એકબીજા સાથે ટકરાઈને દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયા. બંને હેલિકોપ્ટર શહેરના પશ્ચિમી વિસ્તારમાં આવેલા એક ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) ડીલરશિપના પાર્કિંગમાં જઈને ખાબક્યા. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે. મૃતકોમાં અમેરિકન ગાયક અને હાસ્ય કલાકાર (કોમેડિયન) ઓલિવર ટ્રી પણ સામેલ હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે, જો કે મૃતદેહોમાં તેમની ઓળખ હજુ સુધી થઈ શકી નથી.
ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર, ટક્કર બાદ હેલિકોપ્ટરોમાં આગ લાગી ગઈ હતી, જે જોતજોતામાં પાર્કિંગમાં ઉભેલી ગાડીઓ સુધી ફેલાઈ ગઈ. આગની ઝપેટમાં આવવાને કારણે ઓછામાં ઓછા 20 વાહનો બળીને ખાખ થઈ ગયા.
સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ, એક હેલિકોપ્ટર જમીન પર પડતાંની સાથે જ બ્લાસ્ટ થઈ ગયું હતું, જેના કારણે આસપાસ ઉભેલી ઇલેક્ટ્રિક ગાડીઓમાં પણ આગ લાગી ગઈ. અકસ્માત બાદ વિસ્તારમાં કેટલાય વિસ્ફોટોના અવાજ સંભળાયા હતા અને આકાશમાં કાળા ધુમાડાના મોટા ગોટેગોટા જોવા મળ્યા હતા.
માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડ અને બચાવ દળની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આશરે એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. સુરક્ષાના પગલાં રૂપે આસપાસના વિસ્તારને પણ ખાલી કરાવવામાં આવ્યો હતો.